Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd November 2017

ચોટીલાના ધારાસભ્ય ચૌહાણનું ભાજપમાંથી આખરે રાજીનામુ

ટિકિટ ફાળવણીને લઇને અસંતોષ યથાવત જારીઃ ઉમેદવારી કરવાની તક ન મળતા પક્ષથી રાજીનામુ આપ્યુ

અમદાવાદ, તા.૨૨, ભાજપ દ્વારા જાહેર કરવામા આવેલી ઉમેદવારોની ત્રીજી યાદી બાદ પક્ષમાંથી વિરોધના સૂર વધુને વધુ પ્રબળ બનતા જાય છે.ભાજપના ચોટીલા બેઠકના સીટીંગ ધારાસભ્ય શામજી ચૌહાણ દ્વારા આજે પક્ષ તરફથી ઉમેદવારી કરવાની તક આપવામા ન આવતા નારાજ થઈ રાજીનામુ આપી દેવામા આવ્યું છે.આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર,ભાજપ દ્વારા પ્રથમ તબકકામાં યોજાનારી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની ૮૯ બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે.જેમાં ભાજપ દ્વારા સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લાની ચોટીલા બેઠકના વર્તમાન ધારાસભ્ય અને સંસદીય સચિવ શામજીભાઈ ચૌહાણની ટિકીટ કાપવામા આવી છે.ભાજપ દ્વારા શામજી ચૌહાણના સ્થાને નવા ચહેરા તરીકે ઝીણાભાઈ નાઝાભાઈને ટિકીટ ફાળવવામા આવી છે.પક્ષ દ્વારા પોતાની ટિકીટ કાપીને નવા ચહેરા તરીકે ઝીણાભાઈને ટિકીટ આપવામા આવતા તેઓ પક્ષના નિર્ણયથી નારાજ થયા હતા.તેમણે જે ઉમેદવારની પક્ષ દ્વારા પસંદગી કરવામા આવી છે તે યોગ્ય નથી અને પાર્ટી વિરૂધ્ધ કામ કર્યુ હોવાનો પણ આક્ષેપ કર્યો છે.અત્રે નોંધનીય છે કે,ભાજપ દ્વારા અનેક બેઠકો ઉપર ઉમેદવારોને બદલીને તેમના સ્થાને નવા ચહેરાને મુકવામા આવ્યા છે.જેના કારણે અનેક બેઠકો ઉપર બળવો થયો છે.એટલુ જ નહી કેટલાક સભ્યોએ તો ઉમેદવારી પણ નોંધાવી છે.ભાજપના મોવડીમંડળ દ્વારા આવા બળવાઓને નાથવા માટે ડેમેજ કંટ્રોલની કામગીરી આરંભી દેવામા આવી છે.

 

(10:12 pm IST)