Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd November 2017

ચૂંટણીને લઇને જેડીયુની ૨૫મીએ મહત્વની બેઠક

ચૂંટણીલક્ષી નિર્ણયો લેવાશે અને રણનીતિ ઘડાશેઃ રાજ્યમાં જનતાદળ(યુ) અસ્તિત્વ ટકાવી રાખવા મક્કમ

અમદાવાદ,તા.૨૨, ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં જનતાદળ(યુ) વિસર્જિત શરદ યાદવ જૂથ મારફતે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ૧૪ જિલ્લાના પ્રમુખો અને ઉપપ્રમુખોની એક મહત્વની બેઠક ગાંધીનગર ખાતે તા.૨૫મી નવેમ્બર,૨૦૧૭ના રોજ બોલાવવામાં આવી છે. જેમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ મહત્વના નિર્ણયો લેવાશે. તદુપરાંત, કોંગ્રેેસ સાથે ગઠબંધન છે તે ન્યાયસંગત છે કે કેમ તે મુદ્દે પણ નિર્ણય લેવામાં આવશે. તમામ હોદ્દેદારોની રજૂઆત અને અભિપ્રાય ધ્યાનમાં લીધા બાદ ચૂંટણીની આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે એમ ગુજરાત પ્રદેશ જનતાદળ(યુ)ના ઉપપ્રમુખ ગોવિંદભાઇ જાદવે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોઇ ગુનાહિત ઇતિહાસ ધરાવનાર કે કોઇ ગંભીર કેસોમાં સંડોવણી ધરાવતા હોય તેવા કોઇપણ ઉમેદવારને અમે ટિકિટ આપીશું નહી. અમારી વિચારધારાને વરેલા સ્વચ્છ ઉમેદવારોને જ જનતાદળની ટિકિટ ફાળવવામાં આવશે. બિહારમાં ભલે નીતિશકુમાર ભાજપ સાથે જોડાણ કરે પરંતુ ગુજરાતમાં જનતાદળ(યુ) તેની રીતે અસ્તિત્વ ટકાવી રાખવા મક્કમ છે એમ ગુજરાત પ્રદેશ જનતાદળ(યુ)ના ઉપપ્રમુખ ગોવિંદભાઇ જાદવે ઉમેર્યું હતું. તેમણે સ્પષ્ટ કર્યું કે, જનતાદળ(યુનાઇટેડ) પૂર્વ વડાપ્રધાન મોરારજીભાઇ દેસાઇની વિચારધારા અને આદર્શોને વરેલી પાર્ટી છે. સૌને ન્યાય, સૌને રોજગાર અને સૌના અધિકાર મામલે પક્ષ કયારેય બાંધછોડ નહી કરે. આ મુદ્દાઓ પર જનતાને હંમેશા લાભાન્વિત કરવા પક્ષ તત્પર છે. ભાજપ અને કોંગ્રેસે ગુજરાતની જનતા સાથે દગો કર્યો છે. પ્રજાને જૂઠા વચનો આપી સત્તામાં આવ્યા બાદ તેની પરિપૂર્તતા કરી નથી, તેથી હવે ગુજરાતની જનતા માટે નવા વિકલ્પ તરીકે જનતાદળ(યુનાઇટેડ)ની તક છે. ગુજરાત પ્રદેશ જનતાદળ(યુ)ના ઉપપ્રમુખ ગોવિંદભાઇ જાદવે જણાવ્યું હતું કે, લોકકલ્યાણના કાર્યો, ખાસ કરીને શિક્ષણ, આરોગ્ય,  રોજગાર, મહિલા સુરક્ષા અને ખેડૂતો તેમ જ વીજળી પાણીના પ્રશ્ને પક્ષ દ્વારા પ્રાથમિકતાના ધોરણે લોકોની ઇચ્છાઓ અને જરૂરિયાતો સંતોષવામાં આવશે. પ્રજાનો અવાજ સાંભળીને તેમની ઇચ્છા મુજબ કાર્યો કરવાનો અમારો નિર્ધાર છે.

આગામી તા.૨૫મી નવેમ્બરની પક્ષની બેઠકમાં વિધાનસભાની ચૂંટણીને લઇ મહત્વના નિર્ણયો કરવામાં આવશે, જેમાં ચૂંટણીલક્ષી રણનીતિ પણ ઘડી કાઢવામાં આવશે.

 

(10:11 pm IST)