Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd November 2017

ગુજરાતમાં પ્રથમ ચરણમાં ૫૩ પટેલ ઉમેદવારો રહ્યા

૨૦૧૨માં કુલ ૪૮ પટેલ ઉમેદવારો હતાઃ ૨૦૧૨માં ભાજપની તરફથી ૧૮ પટેલ ઉમેદવારો હતા જે પૈકી ૧૧ વિજેતા થયા હતા : કોંગ્રેસના ૭ જીત્યા હતા

અમદાવાદ,તા. ૨૨, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે પાટીદાર સમુદાય ઉપર તમામનું ધ્યાન કેન્દ્રિત થઇ ગયું છે. પાટીદાર સમુદાયને પ્રભાવિત કરવાના ભાજપ અને કોંગ્રેસ તરફથી તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આંકડા પણ આની તરફ ઇશારો કરે છે. વર્ષ ૨૦૧૭માં યોજાઈ રહેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કા માટે હજુ સુધી ૫૩ પટેલો મેદાનમાં છે. જ્યારે વર્ષ ૨૦૧૨માં ૪૮ પટેલ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા. આનો મતલબ એ થયો કે પ્રથમ તબક્કામાં ૫૩ પટેલ ઉમેદવારો બાદ હજુ બીજા તબક્કામાં બીજા પટેલ ઉમેદવારો પણ જાહેર કરાશે. ૨૦૧૨ની સરખામણીમાં આંકડો પહેલાથી જ વધી ગયો છે. વર્ષ ૨૦૧૭માં આ સંખ્યા ૫૩ ઉપર પહોંચી ગઈ છે. વર્ષ ૨૦૧૨માં ૧૮ મત વિસ્તારો એવા હતા જ્યાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા પાટીદાર ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા જ્યારે આ વખતે આ સંખ્યા ૨૦ ઉપર પહોંચી છે. કોંગ્રેસના પ્રવક્તાનું કહેવું છે કે, પાટીદાર સમુદાયને તેમની અપેક્ષાઓને ધ્યાનમાં લઇને પુરતુ પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે. બીજી બાજુ ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાએ માહિતી આપતા કહ્યું છે કે, પાટીદારો અન્ય સમુદાયની જેમ જ છે. અમારા નાયબ મુખ્યમંત્રી, ૧૦ પ્રધાનો, બે કેન્દ્રીય પ્રધાનો અને રાજ્ય પાર્ટી પ્રમુખ પાટીદાર સમુદાયના છે. ભાજપ વિજેતા ઉમેદવારો ઉપર પ્રાથમિકતા આપે છે. પાટીદાર સમુદાયના લોકો કોંગ્રેસ પાર્ટીના ગેમ પ્લાનને સમજી ચુકી છે જેથી જો વધુ પ્રમાણમાં કોંગ્રેસ પાટીદાર સમુદાયને ટિકિટ આપશે તો પણ  આ સમુદાય પ્રભાવિત થશે નહીં. બીજી બાજુ ભાજપને તેની કોઇ અસર થશે નહીં. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માટેનો કાર્યક્રમ ૨૫મી ઓક્ટોબરના દિવસે જાહેર કરવામાં આવ્યો હતો. આની સાથે જ છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલા અટકળોનો અંત આવ્યો હતો. ગુજરાતમાં બે તબક્કામાં ૯મી અને ૧૪મી ડિસેમ્બરના દિવસે ચૂંટણી યોજાશે.

પ્રથમ તબક્કામાં ૯મી ડિસેમ્બરના દિવસે ૮૯ વિધાનસભા બેઠકો માટે મતદાન થશે જ્યારે બીજા તબક્કામાં ૧૪મી ડિસેમ્બરના દિવસે ૯૩ વિધાનસભા બેઠકો માટે મતદાન થશે. ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં બંને જગ્યાઓએ મતગણતરી એક જ દિવસે એટલે કે ૧૮મી ડિસેમ્બરે થશે. ગુજરાત ચૂંટણીમાં આ વખતે ૫૦૧૨૮ પોલિંગબુથ અથવા તો મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. ગોવા બાદ હિમાચલ અને ગુજરાત એવા રાજ્ય બની ગયા છે જ્યાં ચૂંટણીમાં ૧૦૦ ટકા વીવીપેટ મશીનનો ઉપયોગ કરવામાં આવશે. પ્રદેશમાં ૧૦૦ ટકા સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી યોજવામાં આવશે. વીવીપેટ ઉપરાંત હાઈપ્રોફાઇલ ગુજરાત ચૂંટણી માટે અન્ય કેટલાક પગલા પણ લેવામાં આવી રહ્યા છે.

 

(10:03 pm IST)