Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd November 2017

રોકડ અને સોનું જપ્ત કરવાના ૧૪ કેસ : ઉંડી ચકાસણી શરૂ

ફ્લાઇંગ અને સ્ટેટીક સર્વેલન્સની કામગીરી : કુલ ૧.૬૫ કરોડની રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે ત્રણ જુદી જુદી ટીમ બનાવીને તપાસ અસરકારક બનાવાઈ

અમદાવાદ, તા.૨૨ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને શાંતિપૂર્ણ અને નિષ્પક્ષરીતે પાર પાડવા વ્યાપક પગલા લેવાઈ રહ્યા છે જેના ભાગરુપે ફ્લાઇંગ સ્કોડ અને સ્ટેટીક સર્વેલન્સ ટીમની પણ અસરકારક કામગીરી રહી છે. રાજયમાં ન્યાયિક વાતાવરણની વચ્ચે ચૂંટણી પ્રક્રીયા પુરી થાય એ અંગે ચૂંટણી પંચ દ્વારા કાર્યરત કરવામા આવેલી રાજયવ્યાપી ફલાઈંગ સ્કવોર્ડ અને સ્ટેટીક સર્વેલન્સ ટીમ દ્વારા રાજયના અમદાવાદ સહિતના અલગ અલગ શહેરોમાં કાર્યવાહી કરીને અત્યારસુધીમા ૧૪ કેસમાં રૂપિયા ૧.૬૫ કરોડની રોકડ રકમ જપ્ત કરવામા આવી છે.આ અંગે મળતી માહિતી અનુસાર,રાજયમાં ફલાઈંગ સ્કવોર્ડ અને સ્ટેટીક  સર્વેલન્સ ટીમ દ્વારા રોકડ રકમ અને સોનુ જપ્ત કરવાના કુલ ૧૪ કેસ કર્યા છે.જે પૈકી બનાસકાંઠા, અમદાવાદ શહેર, છોટા ઉદેપુર, પાટણ, જામનગર, ભાવનગર અને નવસારીમા એક-એક,જયારે મોરબીમાં ચાર અને ખેડામા ત્રણ કેસ નોંધી કુલ રૂપિયા ૧.૬૫ કરોડની રોકડ રકમ જપ્ત કરવામા આવી છે. કેન્દ્રના ચૂંટણી આયોગના માર્ગદર્શન મુજબ રાજયમાં દરેક મત વિસ્તાર દીઠ ત્રણ-ત્રણ સ્ટેટીક સર્વેલન્સ ટીમની ચૂંટણીપંચ દ્વારા ફાળવણી કરવામા આવી છે.આ સાથે જ રાજયમાં હાલ કુલ ૬૦૪ સ્ટેટીક સર્વેલન્સ ટીમ તેમજ ૫૫૫ ફલાઈંગ સ્કવોર્ડ કાર્યરત છે.આ અંગે મળતી માહિતી અનુસાર,રાજયના તમામ જિલ્લાઓ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી ખાતે ટોલ ફ્રી નંબર સાથે કંટ્રોલરૂમ અને કોલસેન્ટર કાર્યરત કરવામા આવ્યા છે.રાજયના શહેરો અને જિલ્લાઓ ખાતે જિલ્લા સ્તરના નોડલ સેલની રચના કરવામા આવી છે.જેમાં નોડલ અધિકારીઓની નિમણૂંક કરવામા આવી છે.આ અધિકારીઓ દ્વારા જિલ્લા સ્તરે ખર્ચ નિરીક્ષણની કામગીરી ઉપર દેખરેખ રાખવામા આવશે.આ ઉપરાંત જિલ્લા સ્તરે ખર્ચ નિરીક્ષણ સેલની રચના કરવામા આવી છે.ફલાઈંગ સ્કવોર્ડ અને એસએસટી દ્વારા જપ્ત કરવામા આવેલી રોકડ રકમની સમીક્ષા-ચકાસણી કરીને તે અંગે યોગ્ય નિર્ણય કરવા માટે જિલ્લાસ્તરે સમિતીની રચના કરવામા આવી છે.

 

(8:20 pm IST)