Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd November 2017

જનતા અમારી હાઇકમાન્ડ અને સરકાર જનતાની હશે : વાઘેલા

પૈસા વગર ચૂંટણી લડવાનો નવતર પ્રયોગ કરાયો : ચૂંટણી ઢંઢેરો નહી પણ જન વિકલ્પે પ્રજા કાર્યો માટે સંકલ્પ લીધો : ભાજપ અને કોંગ્રેસ ઉપર વાઘેલાના આકરા પ્રહારો

અમદાવાદ, તા.૨૨ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ આજે જનવિકલ્પ મોરચાના સંયોજક શંકરસિંહ વાઘેલાએ આજે મહત્વની જાહેરાત કરી પોતાની પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો. જો કે, બાપુએ સ્પષ્ટતા કરી હતી કે, અમે આને ચૂંટણી ઢંઢેરા નહી કહીએ પરંતુ સંકલ્પ કહીએ છીએ. અમે પ્રજાના કાર્યો કરવાના ેસંકલ્પ લઇએ છીએ કારણે ભાજપ-કોંગ્રેસ જેવા પક્ષો ચૂંટણી ટાણે વાયદાનો વેપાર કરે છે અને ગુજરાતની પ્રજાને છેતરે છે પરતં અમે આ રીતે જનતાને છેતરવા માંગતા નથી. અમારી સરકાર આવશે એટલે ગુજરાતની જનતાના કાર્યો કરવા અને તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવવું એ જ અમારો એકમાત્ર ધ્યેય હશે. ગુજરાતની જનતા અમારી હાઇકમાન્ડ અને સરકાર જનતાની હશે. બાપુએ  જન વિકલ્પ મોરચાના ચૂંટણી સંબંધી નવતર પ્રયોગની પણ જાહેરાત કરી હતી કે, તેમનો મોરચો તેમના એકપણ ઉમેદવારને ચૂંટણીલક્ષી ખર્ચ આપ્યો નથી અને આપવાનો નથી. ગુજરાતના રાજકારણના ઇતિહાસમાં પૈસા વગર ચૂંટણી લડવાનો આ સૌથી પહેલો નવતર પ્રયોગ છે.  જન વિકલ્પ મોરચાના સંયોજક શંકરસિંહ વાઘેલાએ આજે ભાજપ અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, ટિકિટોના કકળાટને લઇ કાર્યકરો અને આગેવાનો વચ્ચે મારામારી-ગાળાગાળીના દ્રશ્યો સર્જાય છે અને પ્રદેશ કોંગ્રેસને કચેરીનો વીમો ઉતરાવવો પડે છે, તો બીજીબાજુ, શાસક પક્ષ ભાજપને બીએસએફની મદદ માંગવી પડે છે..આ કયા પ્રકારની લોકશાહી છે અને ચૂંટણીટાણે આ બધું શું ચાલી રહ્યું છે. જનતાએ આવા લોકોને સમજવા પડશે. જો આવા લોકોના હાથમાં સત્તા જશે તો તેમનું શું થશે? શું ગુજરાતમાં મસલ પાવર અને મની પાવરનું શાસન હશે? ભાજપ અને કોંગ્રેસ પક્ષ ચૂંટણી ઢંઢેરો જાહેર કરી પ્રજા સાથે દગો કરી રહી છે કારણ કે, તેઓ લોકોને કરેલા વાયદાઓ પાળતા નથી અને ચૂંટણી પછી તે ભૂલી જાય છે. આ લોકો વાયદાનો વેપાર કરે છે. જન વિકલ્પ મોરચાની આવી માનસિકતા નથી. તેમણે નોટબંધી અને જીએસટીને લઇ મોદી સરકાર પર પ્રહાર કર્યા હતા કે, નોટબંધી અને જીએસટીના કારણે લોકો મરી ગયા. કાયદા લોકોની રક્ષા માટે નહી કે, તેઓને મારવા માટે. આજે ગુજરાતમાં ૪૦ લાખ લોકો બેરોજગાર છે.

ખેડૂતોમાં મગફળી અને કપાસના ટેકાના ભાવોના મુદ્દે ઁઅસંતોષ અને રોષની લાગણી ફેલાયેલી છે પરંતુ હું ખેડૂતોને કહેવા માંગુ છું કે, તેઓ એક મહિનો રાહ જુએ અને ગોડાઉનમાં તેમના પાકને સંગ્રહી રાખે અમારી સરકાર આવશે તો તેમને ભાડુ આપશે અને પછી સારા ભાવે તેમના આ પાકો ખરીદશે. આજની જાહેરાત દરમ્યાન શંકરસિહ વાઘેલાની સાથે જન વિકલ્પ મોરચાના પ્રવકતા પાર્થેશ પટેલ, ઉપપ્રમુખ યજ્ઞેશ દવે સહિતના આગેવાનો ખાસ હાજર રહ્યા હતા.

(8:20 pm IST)