Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd November 2017

ફતેગંજમાં કોમર્શિયલ બિલ્ડિંગમાં આગ ભભુકતા અફડાતફડી: 14નો આબાદ બચાવ

વડોદરા:ફતેગંજની કોમર્શિયલ બિલ્ડીંગના પહેલા માળે આવેલી ઓફિસમાં આજે સવારે આગ લાગતા ભારે અફરાતફરી વ્યાપી હતી.ફાયરબ્રિગેડના લાશ્કરોએ ફસાયેલા ૧૪ જણાને સલામત રીતે બહાર કાઢ્યા હતા.

સેફ્રેનટાવર સામેની ધ પ્લાઝા નામની ત્રણ મજલી બિલ્ડીંગના પહેલા માળે આવેલી આદિત્ય બિરલા કેપિટલની ઓફિસમાં આજે સવારે સાડા નવેક વાગે આગનો બનાવ બન્યો હતો.ઓફિસબોય અલ્પેશ સોલંકી એસી ચાલુ કરી વોશરૃમમાં ગયો ત્યારે આખી ઓફિસ ધુમાડાથી છવાઇ જતા તે લોબીમાં  દોડી  ગયો હતો.

જોતજોતામાં આગના ભડકા થવા માંડયા હતા અને ધુમાડાના ગોટા લોબીમાં તેમજ પાસેની રેસ્ટોરાં અને ઉપર કોચિંગ  ક્લાસીસ સુધી છવાયા હતા.આગમાં બે એસી,પ્રિન્ટર અને બે લપટોપ ખાક થયા હતા.

દાંડિયાબજાર ફાયરબ્રિગેડના સ્ટેશન ઓફિસર આઇ એમ શેખ સાથેની ફાયરની એક ટીમે આગ બુઝાવવાની કામગીરી શરૃ કરી હતી,જ્યારે બીજી ટીમે બીએ (બ્રીધિંગ એપરેટસ) સેટથી ધુમાડામાં ફસાયેલા લોકોને સલામત બહાર કાઢવાની કામગીરી કરી હતી.

તેમણે રેસ્ટોરાંમાંથી ચારેક જણાને બહાર કાઢ્યા હતા.જ્યારે,ઉપર ત્રીજે માળે ક્લાસીસમાં ફસાયેલા નવ થી દસ જણાને બાજુની ટેરેસ મારફતે બહાર કાઢ્યા હતા.ફાયરબ્રિગેડના જવાનોએ આઠ કોમ્પ્યુટર,બે લેપટોપ અને રોકડા રૃા.૬૫,૯૭૭ બચાવી લીધા હતા.

 

(5:31 pm IST)