Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd November 2017

કપડવંજ-નડિયાદ રોડ પર સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ઝાડ સાથે અથડાતા એકનું મોત

નડિયાદ:કઠલાલ પાસેથી પસાર થતા કપડવંજ-નડિયાદ રોડ ઉપર એક ગાડી ચાલકે સ્ટેયરિંગ પરનો કાબુ ગુમાવતા ગાડી બાજુના ઝાડા સાથે અથડાઈ હતી. આ બનાવમાં ગાડીમાં બેઠેલ એક શખ્સનું મોત નિપજ્યું છે. જ્યારે ગાડી ચાલકને ઈજાઓ પહોંચી છે.
નડિયાદના મિશન રોડ ઉપર આવેલ મીલાપનગરીમાં કિરીટભાઈ રતીલાલ મકવાણા (ઉં.વ.૪૩) રહેતા હતા. તેઓ પોતે કપડવંજ ખાતે આવેલ વિમા કંપનીમાં નોકરી કરતા હતા. કિરીટભાઈ ગઈકાલે રાત્રે ગાડી નં.જી.જે.૭ બી.આર.૧૪૮૦માં બેસી નડિયાદ પોતાના ઘરે આવતા હતા. આ દરમ્યાન કઠલાલના કપડવંજ-નડિયાદ રોડ ઉપર ભાટેરા નજીક રોડ ઉપર અચાનક ભુંડ આવી ગયું હતું. આથી ગાડી ચાલકે સ્ટેયરિંગ પરનો કાબુ ગુમાવતા પોતાની ગાડી રોડની સાઈડમાં ઉભેલા ઝાડ સાથે અથડાવી હતી.
આ અકસ્માતમાં ગાડી ચાલકને ઈજાઓ પહોંચી છે. જ્યારે ગાડીમાં સવાર કિરીટભાઈને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. આ અકસ્માત સંદર્ભે નવીનભાઈ રતીલાલ મકવાણાએ કઠલાલ પોલીસને જાણ કરતા પોલીસે તેઓની ફરિયાદના આધારે ગાડી ચાલક કૌશલ કાંતિભાઈ પટેલ (રહે.નારના મુવાડા) વિરૃધ્ધ ફરિયાદ નોંધી છે.

 

(5:30 pm IST)