Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd November 2017

મોડીરાત્રે યાત્રાધામ ડાકોરમાં એકસાથે ચાર દુકાનોના તાળા તૂટતાં અરેરાટી

નડિયાદ:યાત્રાધામ ડાકોરમાં ગત્ રાત્રે હાર્દસમા વિસ્તારમાં આવેલ ચાર જેટલી દુકાનોના તાળા તૂટયા છે. આ બનાવથી ડાકોરમાં ચકચાર જાગી છે. તો બીજી તરફ  આ બનાવ અંગે મોડી સાંજ સુધી સ્થાનિક પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ ન હોવાનું પોલીસસૂત્રોએ જણાવ્યું છે. છાશવારે ચોરીઓના બનાવો બનતા લોકોમાં ભારે ભયનો માહોલ સર્જાયો છે.
ડાકોરમાં આવેલ ઠાસરા રોડ ઉપરના ભગવતી કોમ્પલેક્ષમાં ચાર જેટલી દુકાનોના શટર ગત્ રાત્રે તુટયા છે. જેમાં પ્રોવીઝન સ્ટોર અને અનાજ કરીયાણાની દુકાનો સહિત એક ગોડાઉનનો સમાવેશ થાય છે. મંગળવારે સવારે  દુકાનદારો પોતાની દુકાને આવતા શટર તૂટેલી હાલતમાં જોઈ ચોકી ઉઠયા હતા. બાદમાં અંદર આવી તપાસ કરતા ચોરી થઈ હોવાનું માલુમ પડયું હતું. આ બનાવ અંગે દુકાદારોએ તુરંત ડાકોર પોલીસને જાણ કરી હતી. પરંતુ પોલીસે બપોર સુધી આ અંગે સ્થળ ઉપર આવી કોઈ કાર્યવાહી કરી નહોતી. આથી સ્થાનિક લોકોમાં રોષ ભભૂક્યો છે. જ્યારે દુકાનદારોના જણાવ્યા પ્રમાણે પરચુરણ માલ સામાન સહિત કેશ લઈ તસ્કરો પલાયન થઈ ગયા છે.ડાકોરમાં અગાઉ પણ એક રહેણાંક મકાનમાંથી ૪૦ તોલા સોનાની ચોરી થઈ હતી. જેનો આરોપી આજ દિન સુધી પકડાયો નથી. તો બીજી તરફ પોલીસ નગરમાં રાત્રિ દરમ્યાન પેટ્રોલીંગ ન કરતા આવા તસ્કરોને ચોરી કરવામાં મોકળુ મેદાન મળી જાય છે. તસ્કરોને વહેલી તકે ઝડપી તેઓના વિરૃધ્ધ કાયદેસરની કાર્યવાહી કરે તેવી માંગ પ્રબળ બની છે.

 

(5:29 pm IST)