Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd November 2017

અમદાવાદની એક સંતાનની માતાને વોટ્સએપ પર કોલગર્લ બનાવી દેતા મામલો બિચક્યો

અમદાવાદ: સોશિયલ મીડીયા પર મહિલાઓનાં ચારિત્રને બદનામ કરવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે શહેરના સરદાનગર વિસ્તારમાં રહેતી એક ગૃહિણીને વોટ્સએપ પર કોલગર્લ બનાવી દેતાં મામલો મહિલા પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. છેલ્લા ઘણા સમયથી ત્રણ ચાર વોટ્સએપ ગ્રૂપ દ્વારા ગૃહિણીને કોલગર્લ તરીકે ચીતરવામાં આવી રહી છે.

સરદારનગર વિસ્તારમાં પતિ અને આઠ વર્ષિય પુત્રી સાથે રહેતી નીતા (નામ બદલેલ છે)એ મહિલા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધમાં લેખિતમાં ફરિયાદ આપી છે. નીતાએ ફરિયાદમાં કરેલા આક્ષેપ પ્રમાણે છેલ્લા ઘણા દિવસોથી કેટલાક અજાણ્યા શખ્સો તેને કોલગર્લ તરીકે ફોન કરીને હેરાન પરેશાન કરી રહ્યા છે. નીતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે કેટલાક અજાણ્યા શખ્સો તેના વોટ્સએપ નંબર પર બીભસ્ત મેસેજ તેમજ પોર્ન વીડિયો અને બીભસ્ત જોક્સ મોકલી રહ્યા છે ત્યારે લોકોએ એક કરતાં વધુ વોટ્સએપ ગ્રૂપમાં એડ કરીને અશ્લીલ મેસેજો મોકલી રહ્યા છે.

નીતાએ તેના વોટ્સએપમાં જે પ્રોફાઇલ ફોટોગ્રાફ્સ રાખ્યો હતો તેને લોકોએ વોટ્સએપ ગ્રૂપમાં મૂકીને તેને કોલગર્લ બનાવી દીધી છે. મોડી રાતે કેટલાક શખ્સો નીતાને વીડીયો કોલ કરી રહ્યા છે ત્યારે કેટલાક લોકો તેને બીભસ્ત મેસેજો મોકલી રહ્યા છે. ફરિયાદમાં તેણે જણાવ્યું છે કે મોડી રાતે અજાણ્યા શખ્સો તેને ફોન કરે છે અને રૂપિયા આપીને ખરાબ કામ કરવા માટે પણ બોલાવે છે. મહિલા પોલીસે નીતાની ફરિયાદના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને તેને કોલગર્લ તરીકે ચીતરનાર શખ્સોને પકડી પાડવા માટે તજવીજ હાથ ધરી છે.

 

(5:28 pm IST)