Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd November 2017

સુરત: પલસાણાના બગુમરામાં બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લીકેટ મસાલા બનાવતી ફેકટરીમાં પોલીસ ત્રાટકી: ત્રણ શખ્સોની સાત લાખના મુદામાલ સાથે ધરપકડ

અમદાવાદ: સુરતના પલસાણા તાલુકાના બગુમરા ગામમાં પોલીસે ઓચિંતો છાપો મારી બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લિકેટ મસાલા બનાવતી ફેકટરી ઝડપી લઇ ત્રણ શખસોની ધરપકડ કરી રૂ. ૭ લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો.

આ અંગેની વિગત એવી છે કે પલસાણા તાલુકાના બગુમરા ગામમાં આવેલી સાંઇકુટિર સોસાયટીના ૧૬પ નંબરના બંગલામાં જાણીતી કંપનીના નામે ડુપ્લિકેટ રસોઇના મસાલા બનાવતી ફેકટરી ચાલતી હોવાની ઉચ્ચ પોલીસ અધિકારીને બાતમી મળતા એલસીબી અને એસઓજીની ટીમે ઉપરોક્ત સ્થળે સંયુક્ત રીતે દરોડો પાડ્યો હતો. દરોડો પાડતા જ ફેકટરીમાં કામ કરતા લોકોએ નાસભાગ કરી મૂકી હતી.

પોલીસે ત્રણ શખસોને ઝડપી લઇ ડુપ્લિકેટ મસાલાના પેકેટ, મશીનો તેમજ અન્ય ચીજવસ્તુઓ મળી રૂ.૭ લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પકડાયેલા શખસો દિવસમાં પાંચ કલાક જ ફેક્ટરી ચાલુ રાખી ત્રણ હજારથી વધુ મસાલાના પેકેટો બનાવતા હતા. અસલી મસાલાના પેકેજ જેવા જ પેકેટો મશીનો પર બનાવી આ શખસો બજારમાં વેચી મોટી કમાણી કરી રહ્યા હતા. છેલ્લા ત્રણ મહિનાથી ડુપ્લિકેટ મસાલા બનાવવાનું કારસ્તાન ચાલતું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.

 

(5:28 pm IST)