Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd November 2017

કોંગ્રેસની અનામત અંગેની ફોર્મ્યુલા અમને મળી જ નથીઃ ખોડલધામ

હાર્દિકના દાવાથી વિરૂધ્ધ ખોડલધામના પ્રમુખનું નિવેદન : મુદ્દાને ખોડલધામનું પૂરેપુરૃં સમર્થન છે, પરંતુ કોઇ પણ પક્ષને નહીં

અમદાવાદ તા. ૨૨ : ખોડલધામના પ્રમુખ પરેશ ગજેરાએ સ્થાનિક મીડિયાને જણાવ્યું છે કે, કોંગ્રેસ તરફથી પાટીદારોને અનામત આપવા અંગેની કોઈ ફોર્મ્યુલા હજુ સુધી તેમને નથી મળી. મહત્વનું છે કે, આજે હાર્દિકે પ્રેસ કોન્ફરન્સમાં દાવો કર્યો હતો કે, કોંગ્રેસે અનામત માટે જે ફોર્મ્યુલા આપી છે તે ખોડલધામ અને ઉમિયાધામને પણ મંજૂર છે.

મહત્વનું છે કે, હાર્દિક એક તરફ દાવો કરી રહ્યો છે કે, કોંગ્રેસ દ્વારા પાટીદારોને અનામત આપવા માટે જે ફોર્મ્યુલા આપવામાં આવી છે તે પાટીદારો અને ધાર્મિક સંસ્થાઓ ખોડલધામ અને ઉમિયાધામને મંજૂર છે. જોકે, ખોડલધામના પ્રમુખ અલગ જ વાત કહી રહ્યા છે. પરેશ ગજેરાએ જણાવ્યું હતું કે, આ માટે તેમનો સમય માગવામાં આવ્યો છે, પરંતુ હજુ સુધી ફોર્મ્યુલા નથી મળી. શકય છે કે આજે કદાચ મળી જાય.

પરેશ ગજેરાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ દ્વારા જે ફોર્મ્યુલા અપાશે તે કાયદાકીય દ્રષ્ટિએ ટકી શકે તેમ છે કે કેમ તે અંગે લીગલ ટીમનો અભિપ્રાય લેવાશે અને જો આ ફોર્મ્યુલાથી અપાયેલી અનામત કોર્ટમાં ટકી શકે તેમ હોય તો જ તેને ટેકો અપાશે. તેમણે એમ પણ કહ્યું હતું કે, ખોડલધામના ઘણા ટ્ર્સ્ટી છે, શકય છે કે કોઈની સાથે તેમની વાત થઈ હોય પરંતુ મારા સુધી હજુ સુધી કોઈ ફોર્મ્યુલા પહોંચી નથી. ખોડલધામના પ્રમુખ પરેશ ગજેરાએ જણાવ્યું હતું કે, પાટીદારો માટે અનામત જરુરિયા છે, તે મુદ્દાને ખોડલધામનું સમર્થન છે. ૬૦ ટકા પાટીદારો ગરીબી રેખા હેઠળ જીવે છે. પરંતુ સમાજની જરુરિયાતનો કોઈ પક્ષ ચૂંટણી ટાણે ગેરફાયદો ન ઉઠાવી જાય તે પણ જોવાનું રહે છે. મુદ્દાને ખોડલધામનું પૂરેપૂરું સમર્થન છે, પરંતુ કોઈ પણ પક્ષને નહીં.

(4:35 pm IST)