Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd November 2017

ગુજરાતમાંથી મુસ્લિમ નેતૃત્વ નામશેષ કરવા ભાજપે કમર કસી

મુસ્લિમ મતોનું વિભાજન અટકાવી વધુમાં વધુ મુસ્લિમ ધારાસભ્યોને ચૂંટી લાવવા સમાજે જ કમર કસવી પડશે

અમદાવાદ તા. ૨૨ : ભારતીય જનતા પાર્ટી સૌનો સાથ સૌનો વિકાસની ભલે વાતો કરતી હોય પરંતુ તેને પોતાના માનિતા સિવાય કોઈના પણ સાથ અને વિકાસની જરૂર નથી એમાંય જયારે મુસ્લિમ સમાજના સાથ અને વિકાસની વાત આવે ત્યારે ભાજપવાળાઓના નાકનું ટેરવું ચઢી જતું હોય છે. એમાંય મુસ્લિમ સમાજને ટિકિટ આપવાની વાત તો દૂર પરંતુ જે મુસ્લિમો અન્ય પક્ષોમાંથી જીતીને આવી શકે તેમ હોય તેઓને હરાવવા પણ એડી ચોટીનું જોર લગાવી દે છે. થોડા મહિના અગાઉ રાજયસભાની ચૂંટણી વખતે અહમદ પટેલને હરાવવા આકાશપાતાળ એક કરનાર ભાજપ હવે વિધાનસભાની ચૂંટણીમાં મુસ્લિમ ધારાસભ્યોને હરાવવા કમર કસી છે અને એ માટે અમિત શાહે ખુદ જવાબદારી ઉપાડી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

ભાજપ કોંગ્રેસ મુકત ભારત અને કોંગ્રેસ મુકત ગુજરાત કરવા માંગે છે. તેમાંય મુસ્લિમ નેતાગીરીનો તો સફાયો કરવા ભાજપે સોગંધ ખાધા છે. સોમનાથ ખાતે મળેલી ભાજપની કારોબારીની બેઠકમાં તો ગુજરાત વિધાનસભાને મુસ્લિમ ધારાસભ્ય મુકત કરી ગંગાજળથી શુદ્ઘ કરવા સોગંધ ખાધા હોવાનું કહેવાય છે. એટલા માટે જ ગુજરાતમાંથી એકપણ મુસ્લિમ ધારાસભ્ય ન ચૂંટાય તે માટે ભાજપ શામ, દામ દંડ અને ભેદની નીતિ અપનાવી રહી છે. એ માટે નાણાંની કોથળી પણ ખુલ્લી મૂકી દીધી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

દરિયાપુર વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટાયેલા ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ આખાબોલા સ્વભાવના અને ગરીબ મધ્યમ વર્ગ અને પછાત વર્ગ સહિત મુસ્લિમ સમાજના પ્રશ્નો માટે સતત લડત ચલાવતા હોવાથી ભાજપને આંખના કણાંની જેમ ખૂંચે છે. આથી તેમને હરાવવા ગત ચૂંટણીમાં ભારે ધમપછાડા કર્યા હતા. ખુદ તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આ વિસ્તારમાં રોડ શો કર્યો હતો. તેમ છતાં ગ્યાસુદ્દીન શેખ જીત મેળવવામાં સફળ રહ્યા હતા. હવે આ વખતે હાર્યો જુગારી બમણું રમે એ કહેવતની જેમ ભાજપ બમણી તાકાતથી ગ્યાસુદ્દીન શેખને હરાવવા મેદાને પડ્યું છે. માત્ર ગ્યાસુદ્દીન શેખની દરિયાપુર બેઠક જ નહીં પરંતુ વાંકાનેર, ભૂજ, સુરત પશ્ચિમ, જમાલપુર અને વાગરા સહિતની મુસ્લિમ ઉમેદવારો ચૂંટાઈ જ આવે તેવી બેઠકો ભાજપના નિશાના પર છે.

આ બેઠકો પર અપક્ષો અને નાના પક્ષોમાંથી મુસ્લિમ ઉમેદવારોને ઊભા રખાવી મુસ્લિમો સામે મુસ્લિમોને જ લડાવી પોતે આ બેઠકો જીતવા અથવા તો મુસ્લિમ ઉમેદવાર હારી જાય તેવા કાવાદાવા શરૂ કરી દીધા છે અને મુસ્લિમ મતોના વિભાજન માટે તૈયારી શરૂ કરી દીધી છે ખાસ કરીને દરિયાપુર બેઠક પર કોંગ્રેસને હરાવવા ખુદ અમિત શાહે જવાબદારી ઉપાડી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. એ માટે તેમના ખાસ વિશ્વાસુ અને અમદાવાદ ડિસ્ટ્રીટ કો.ઓ. બેન્કના ચેરમેન અજય પટેલને દરિયાપુરથી મેદાનમાં ઉતારવાની યોજના બનાવી છે. અજય પટેલને જીતાડવા મુસ્લિમ અપક્ષો અને નાના પક્ષોમાંથી મુસ્લિમ ઉમેદવારો ઊભા રાખવા તનતોડ તૈયારી શરૂ કરી દીધી છે.

ભાજપે એક પણ મુસ્લિમને અત્યાર સુધી ટિકિટ ન આપીને પોતાની દાનત તો સ્પષ્ટ કરી જ દીધી છે ત્યારે ભાજપની આ મેલી રમતનો મુસ્લિમ સમાજે જંગી અને વિભાજીત થયા વિના મતદાન કરી યોગ્ય જવાબ આપવો પડશે. જો ભાજપ એમ ઈચ્છતું હોય કે એકપણ મુસ્લિમ ઉમેદવાર ન ચૂંટાઈ આવે, ત્યારે મુસ્લિમ સમાજે પણ તમામ મતભેદો ભૂલી ખભેથી ખભા મિલાવી બિનસાંપ્રદાયિક અને મુસ્લિમ ઉમેદવારોને જીતાડવા સ્થાનિક સ્તરે પ્રયાસો શરૂ કરવા પડશે અને સ્થાનિક નેતાઓએ ડોર ટુ ડોર પ્રચાર કરી મુસ્લિમ મતોનું વિભાજન થતું રોકવા અથાગ મહેનત કરવી પડશે. તો જ વધુમાં વધુ મુસ્લિમ ઉમેદવારો ચૂંટાઈ શકશે. તેવો એક અહેવાલ અમદાવાદના અખબારમાં પ્રસિધ્ધ થતાં હલચલ મચી ગઇ છે.

(8:25 pm IST)