Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd November 2017

GSTએ ભરી ગુજરાતની તિજોરીઃ કોમર્શિયલ ટેક્ષની જંગી આવક

ઓકટોબરનું કલેકશન રૂ. ૬૬૦૮ કરોડઃ હજુ કલેકશન વધે તેવી શકયતાઃ ૩૧ ઓકટોબર સુધી ૬.૯ લાખ કરદાતાઓની નોંધણીઃ ૧ લાખે કમ્પોઝીશન સ્કીમ સ્વીકારી

નવી દિલ્હી તા. ૨૨ : સ્ટેટ કોમર્શિયલ ટેકસ ડિપાર્ટમેન્ટ દ્વારા અપાયેલા આંકડાઓ અનુસાર ઓકટોબરમાં ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેકસનું ટોટલ કલેકશન ૬,૬૦૮ કરોડ રુ. જેટલું રહ્યું હતું. આ તમામ રકમમાં ઈન્ટિગ્રેટેડ GST ૨,૨૮૬.૭૫ કરોડ રૂ. સેન્ટ્રલ GST ૧૪૦૦.૮૩ કરોડ રૂ. અને સ્ટેટ GST ૧૮૮૦.૮૩નો સમાવેશ થાય છે. આ સિવાય ૩૧૪.૫૮ કરોડ રૂ. સેસ પણ જમા કરવામાં આવ્યું હતું.

કોમર્શિયલ ટેકસ કમિશનર P D વાદ્યેલાએ જણાવ્યું હતું કે, 'ધીરે-ધીરે GSTનું કલેકશન વધતું જઈ રહ્યું છે, કારણ કે વધુને વધુ કરદાતા રજિસ્ટર થઈ રહ્યા છે. GSTનું સ્ટ્રકચર વધુને વધુ સરળ બનતું જઈ રહ્યું છે જે કારણે પણ આ વધારો જોવા મળી રહ્યો છે જે ભવિષ્યમાં વધારે ઝડપે વધે તેવી આશા છે.' સ્ટેટ ગવર્નમેન્ટને GST દ્વારા ૨,૬૦૫.૮૩ કરોડ રૂ. આવક થઈ છે. જેમાં SGSTના ૧,૮૮૦.૮૩ કરોડ રુપિયા અને IGST એડજસ્ટમેન્ટ દ્વારા ૭૨૫ કરોડ રૂ.ની આવકનો સમાવેશ થાય છે.

કોમર્શિયલ ટેકસ ડિપાર્ટમેન્ટ દ્વારા અપાયેલી માહિતી અનુસાર ૩૧ ઓકટોબર સુધી ૬.૯ લાખ કરદાતાઓની નોંધણી કરાઈ છે. આ પૈકી ૧ લાખ કરદાતા એવા છે જેમણે કમ્પોઝિશન સ્કીમ અપનાવી છે. સ્ટેટ કોમર્શિયલ ટેકસ ડિપાર્મેન્ટના એક સિનિયર અધિકારીએ જણાવ્યું હતું કે, 'કમ્પોઝિશન સ્કીમ અપનાવનાર કરદાતાઓ દ્વારા ત્રિમાસિક સમયગાળા માટે રિટર્ન્સ ફાઈલ કરવામાં આવશે જેથી રાજયની આવકમાં ઉત્તરોતર વધારો થશે.'

ગુજરાત સેલ્સ ટેકસ બાર એસોસિયેશનના પ્રમુખ વરિશ ઈરાનીએ કહ્યું હતું કે, 'સર્વર પ્રોબ્લેમ્સ અને મોડ્યુઅલ્સ ઉપલબ્ધ નહીં હોવાને કારણે ટેકસ રિટર્ન ફાઈલિંગ પ્રોસેસમાં થોડીક તકલીફો પડે છે. તેમજ સમાંતરપણે હાલમાં મંદીનો માહોલ છે જેથી વેપાર-ધંધા ઓછા ચાલવાને કારણે ટેકસ જવાબદારીમાં પણ ઘટાડો થયો છે.'

(12:32 pm IST)