Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં વસ્ત્રાપુર લેક ગાર્ડનમાં રાઈડ માટે વિવાદાસ્પદ સુપર સ્ટાર એમ્યુઝમેન્ટની દરખાસ્ત મંજુર

અગાઉ કાંકરિયા ખાતે રાઈડ તૂટી પડતા બે ના મોત અને ૨૯ને ઇજા થયેલ તે રાઈડ કંપનીને લેક ગાર્ડનમાં રાઈડ માટે લીલી ઝંડી : સ્ટેન્ડિંગ કમિટીની બેઠક માં ૩૩ કામો પૈકી ૩ કામો પડતા મુકાયાં

અમદાવાદ : મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં આજે 33 કામો પૈકી ત્રણ કામો પડતાં મૂકાયાં હતા. આ બેઠકમાં અગાઉ કાંકરિયા ખાતે રાઇડ તૂટી પડવાના કારણે બેનાં મોત અને 29ને ઇજા થઇ હતી તે રાઈડ ની કંપનીની સુપર સ્ટાર એમ્યુઝમેન્ટની વસ્ત્રાપુર લેક ગાર્ડનમાં રાઇડસ ઊભી કરવાની દરખાસ્ત મંજુર કરવામાં આવી છે

શહેર મ્યુનિ. કોર્પોરેશનની સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં આજે 33 કામો પૈકી ત્રણ કામો પડતાં મૂકવામાં આવ્યા છે. બાકીનાં 30 કામોને મંજુરીની મ્હોર મારવામાં આવી છે. તેમાં વસ્ત્રાપુર લેકના ગ્રાર્ડનમાં સુપર સ્ટાર એમ્યુઝમેન્ટને પીપીપી ધોરણે એમ્યુઝેન્ટ પાર્ક બનાવવાની મંજૂરી આપવામાં આવી છે. આ સુપર સ્ટાર કંપની કોર્પોરેટરના ભાઇની હોવાની ચર્ચા છે.

વસ્ત્રાપુર લેક ગાર્ડનમાં સુપર સ્ટાર એમ્યુઝમેન્ટને પીપીપી ધોરણે એમ્યુઝમેન્ટ પાર્ક બનાવી ચલાવવાના કામ આજની સ્ટેન્ડીંગ કમિટીમાં રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં અગાઉ થયેલા એમઓયુમાં દર્શાવ્યા મુજબની મોટી રાઇડઝ 3 અને બીજી નવી 4 મોટ રાઇડસ મૂકવા તથા વધારાની નવી 12 નાની રાઇડસ લગાવવા માટે એજન્સી તરફથી મળેલી રજૂઆતને મંજુર કરવામાં આવી છે.

સુપર સ્ટાર એમ્યુઝમેન્ટની દરખાસ્ત મંજુર કરાઇ છે. પરંતુ આ જ કંપનીની અગાઉ કાંકરિયા ખાતે મોટી રાઇડ તૂટી પડવાના કારણે 39 જણાંને ઇજા થઇ હતી. ત્યારે ભારે હોબાળો થયો હતો. તે સમયે પણ આ જ કંપનીની તે રાઇડ હતી. એટલું જ નહીં પરંતુ કોર્પોરેશને આ કંપનીને જલધારા વોટર પાર્ક કરવા દીધો હતો. પછી તે જમીન ખાલી કરાવવા છેક હાઇકોર્ટ સુધી લડત આપવી પડી હતી.

આ ઉપરાંત કમિટીમાં 2.75 કરોડના ખર્ચે શાહપુરમાં અદ્યતન મેટરનીટી હોમ ઊભું કરવાની દરખાસ્તને મંજુર કરવામાં આવી છે. તે જ રીતે 2.54 કરોડની બહેરામપુરા ખાતે લાઇબ્રેરી સહિત મલ્ટીપર્પઝ હોલ તૈયાર કરવામાં આવશે. જયારે 8.70 કરોડના ખર્ચે મણિનગર વોર્ડમાં રોડ રીસરફેસ કરવામાં આવશે. તો 10 કરોડના ખર્ચે નારણપુરા ખાતે ડ્રેનેજ લાઇને રીહેબીલીટેશન કરવાની બાબતને પણ મંજુર કરવામાં આવી છે.

આ અંગે સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન અમુલ ભટ્ટે વધુમાં પત્રકારોને માહિતી આપતાં કહ્યું હતું કે, વોટર સપ્લાય કમિટી તરફથી તાકીદના બે કામો જેમ કે ડ્રેનેજ પમ્પીંગ સ્ટેશનો ઊભા કરવા તેમ જ ડ્રેનેજ લાઇન નેટવર્કના નકશા સેટેલાઇટથી લેવા માટેની દરખાસ્તને મંજુર કરવામાં આવી છે. જયારે પબ્લીસીટી વિભાગ ખાતે મીડીઆ રૂમ શરૂ કરવા માટે જરૂરી ટેક્નિકલ સાધનો તેમ જ મેનપાવર ટીમ પાછળ પ્રતિમાસ 1.55 લાખની દરખાસ્ત રજૂ થઇ હતી. તે પડતી મૂકવામાં આવી છે. આ અંગે વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કર્યા બાદ નિર્ણય કરવામાં આવશે.

(7:59 pm IST)