Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

જીટીયુના પ્રો.રાજ હકાણીની ભારતના ટોપ-પ મેન્ટર્સમાં સતત ત્રીજી વખત પસંદગી : અમદાવાદ જિલ્લાની વિવિધ સ્કુલના ૧૦૦૦થી વધુ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી ચુકયા છેઃ વિદ્યાર્થીઓને સ્માર્ટ સીટી, પર્યાવરણ, સ્માર્ટ હોય ઓટોમેશન જેવા વિવિધ વિષયોના પ્રોજેકટસ પર માર્ગદર્શન આપી ચુકયા છે.

અમદાવાદ : ટેક્નિકલ શિક્ષણના પ્રચાર અને પ્રસાર થકી દેશ વિકાસમાં સહભાગી થવા માટે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી  સતત કાર્યરત રહે છે. વર્ષ-2018થી નીતિ આયોગ દ્વારા ધોરણ 8થી 12ના વિદ્યાર્થીઓને ટેક્નિકલ શિક્ષણમાં રૂચી વધે અને નવા ઈનોવેશન થકી ભવિષ્યમાં પગભર થઈને દેશ વિકાસમાં સહભાગી થાય તે હેતુસર અટલ ઈનોવેશન મિશનની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં જીટીયુના કર્મચારી સ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને વિવિધ ટેક્નિકલ પ્રોજેક્ટ્સમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરીને માર્ગદર્શન આપતાં હોય છે. તાજેતરમાં અટલ ઈનોવેશન મિશન દ્વારા જાહેર કરાયેલા ભારતના ટોપ–5 મેન્ટર્સમાં જીટીયુના પ્રોફેસર  રાજ હકાણીની સતત ત્રીજી વખત પસંદગી કરવામાં આવી છે.

જીટીયુના પ્રોફેસર રાજ હકાણી અમદાવાદ જિલ્લાની વિવિધ સ્કૂલનાં 1000થી વધુ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી ચૂક્યાં છે. તાજેતરમાં 40 વિદ્યાર્થીઓને સાથે સ્માર્ટ સિટી, પર્યાવરણ, સ્માર્ટ હોમ ઓટોમેશન જેવાં વિવિધ વિષયોના પ્રોજેક્ટ્સ પર માર્ગદર્શન આપ્યું હતું. જેમાં જે-તે વિષયને લગતી સમસ્યાઓ ઉપરાંત ડિઝાઈન થિકિંગ અને ઈલેક્ટ્રોનિક્સના ઉપયોગથી તેનું સમાધાન કરીને 3ડી પ્રિન્ટીંગમાં રૂપાંતરીત કરવા જેવા વિવિધ પ્રોજેક્ટ્સ પર કાર્ય કર્યું હતું. તેમના દ્વારા કરવામાં આવેલા મુખ્ય પ્રોજેક્ટ્સમાં સ્માર્ટ સિટી માટે સ્માર્ટ પાર્કિંગ સિસ્ટમ, સ્માર્ટ વેધર સિસ્ટમ જેમાં હવામાન સંબધિત તમામ પ્રકારની માહિતી મેળવી શકાય છે.

પર્યાવરણમાં પ્રદૂષણ ફેલાવતાં વિવિઘ પ્રકારનાં વાયુઓ જેવા કે કાર્બન ડાયોક્સાઈડ, કાર્બન મોનોક્સાઈડ, સલ્ફર ડાયોક્સાઈડ અને વાતાવરણમાં ઉપયોગી એવા હાઈડ્રોજન, ઓક્સિજન, નાઈટ્રોજન વગેરે વાયુઓનું હવામાં પ્રમાણ સંબધિત સ્માર્ટ પોલ્યુશન સિસ્ટમ અને સ્માર્ટ હોમ ઓટેમેશન જેમાં ઘરેથી દૂર રહીને પણ વ્યક્તિ ઘરમાં ચાલતી તમામ પ્રવૃત્તિ ઈન્ટરનેટ ઑફ થીંગ્સ (આઈઓટી) નાં માધ્યમ થકી કરી શકે છે. જેમાં ઘરના પ્રવેશદ્વાર પર ફેસ રિડિંગ પદ્ધતિ, વિજળી સંચાલિત તમામ પ્રકારનાં ઉપકરણોનું સંચાલન કરવું વગેરે બાબતોનો સમાવેશ કરવામાં આવેલ છે.

અટલ ઈનોવેશન મિશન દ્વારા પ્રો. રાજ હકાણીની ઉમદા પ્રવૃત્તિને ધ્યાનમાં રાખીને સતત 3જી વખત શ્રેષ્ઠ મેન્ટર્સ તરીકે પસંદગી કરી છે. સતત 3 વખત સન્માન મેળવનાર તેઓ ગુજરાતના એકમાત્ર પ્રોફેસર છે. ગુજરાત ટેકનોલોજી યુનિવર્સીટી ( GTU )ના કુલપતિ ડો. નવીન શેઠે જણાવ્યું હતું કે, સ્ટાર્ટઅપ અને ઇનોવેશન જેવા ક્ષેત્રમાં જીટીયુના કર્મચારીઓ સતત કાર્યરત રહે છે. અટલ ઇનોવેશન મિશન દ્રારા જીટીયના પ્રોફેસરની પસંદગી થવી સમગ્ર જીટીયુ પરિવાર માટે ગર્વની વાત છે. બદલ જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠ અને કુલ સચિવ ડૉ. કે. એન. ખેર દ્વારા પ્રો. રાજ હકાણીને અભિનંદન પાઠવ્યા હતાં.

(6:16 pm IST)