Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

અમુલ ડેરી ચૂંટણી પ્રકરણઃ રાજ્ય સરકારની મદદથી ભાજપ સાથે સંકળાયેલ ૩ વ્યકિતઓની સરકારી પ્રતિનિધિ તરીકે નિમણુંક મુદ્દે ત્રણેયના મત સીલ કવરમાં રાખવા હાઇકોર્ટનો આદેશ

અમદાવાદઃ કોંગ્રેસ તેનો છેલ્લો ગરાસ બતાવવાની વેતરણમાં છે. તેના માટે તેણે કોર્ટનો આશરો લીધો છે. ગુજરાતમાં કોંગ્રેસની ભલે બીજે ક્યાંય પક્કડ ન હોય, પરંતુ સહકારી ક્ષેત્રના રાજકારણમાં હજી પણ તેની થોડી ઘણી પક્કડ છે. તેમા પણ ઓગસ્ટમાં થયેલી દૂધ સહકારી મંડળીની ચૂંટણીમાં ભાજપને પડેલા ફટકાના લીધે કોંગ્રેસ ફરીથી જોરમાં આવી છે.

પણ ભાજપ આ ફટકા બાદ રાજ્ય સરકારની મદદથી ભાજપ સાથે સંકળાયેલા ત્રણ વ્યક્તિઓ સરકારી પ્રતિનિધિ તરીકે નિમણૂકથી અમુલ નિયામક મંડળમાં સંઘના ચેરમેન અને વાઈસ ચેરમેનના પદ માટે કૃત્રિમ બહુમત ઉભો કરવામાં આવશે તેવા આક્ષેપ સાથે દાખલ કરાયેલી અરજી પર ગુરુવારે જસ્ટિસ બીરેન વૈષ્ણવે મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યો કેત્રણેય ડિરેક્ટરોના મત સીલ કવરમાં રાખી કોર્ટના આગામી આદેશ સુધી ચૂંટણીનું પરિણામ જાહેર ન કરવામાં આવે. આ સીલ કવરને હાઈકોર્ટમાં સમક્ષ રજૂ કરવાનો આદેશ કર્યો છે.

કોંગ્રેસના રાજેન્દ્રસિંહ પરમાર, સંજય પટેલ સહિત ત્રણ અરજદારો તરફથી દાખલ કરવામાં આવેલી અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે રાજ્ય સરકારની મદદથી ત્રણ ડિરેકટરોની નિમણૂક કરી કોંગ્રેસ સામે કૃત્રિમ બહુમત ઉભો કરવાનો પ્રયાસ છે. ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના તાબા હેઠળ આવતા 18 સંઘમાંથી અમુલ ડેરીના સંઘમાં કોંગ્રેસની હજી પણ થોડી પકડ છે. 23મી ઓક્ટોબરના રોજ અમૂલના ચેરમેન અને વાઈસ ચેરમેન પદ માટે ચૂંટણી થવા જઈ રહી છે.

ગત ઓગસ્ટ મહિને થયેલી દૂધ સહકારી મંડળીઓની ચૂંટણીઓમાં હાલના પ્રમુખ રામસિંહ પરમાર અને ઉપપ્રમુખ રાજેન્દ્રસિંહ પરમારના સમર્થનવાળી પેનેલના 9 ઉમેદવારોનો વિજય થયો હતો. નોંધનીય છે કે રામસિંહ પરમારે 2017માં કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયા હતા.

14મી ઓક્ટોબરના રોજ રજીસ્ટ્રાર ઑફ કો-ઓપરેટિવ સોસાયટી દ્વારા તમામ સભ્યોને શો-કોઝ નોટિસ પાઠવવામાં આવી હતી જેમાં સરકારની મદદથી નિમણૂક કરાયેલા 3 ડિરેક્ટર સભ્યો- ભરત પટેલ, પ્રભાત ઝાલા અને દિનેશ પટેલની નિમણુંક કેમ ન કરવામાં આવે છે તેવો પ્રશ્ન કરવામાં આવ્યો હતો. રજિસ્ટ્રારે એજન્ડા નોટિસ પાઠવી 23મી ઓકટોબરના રોજ ચેરમેન અને વાઇસ ચેરમેનની બેઠક બોલાવી છે. આ નોટિસ બાદ કોંગ્રેસના સભ્ય રાજેન્દ્રસિંહ પરમાર અને કાંતિ પરમાર ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી.

(5:29 pm IST)