Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક : ઇસનપુરમાં વેપારીની દુકાનમાં ઘુસી માર મારી સમાન બહાર ફેંકી દીધો

પોલીસે વેપારીની ફરિયાદ લેવાની તજવીજ કરી લુખ્ખા તત્વોને ઝડપી લેવા માટે ટિમો રવાના કરી

અમદાવાદ: ઈસનપુર વિસ્તારમાં લુખ્ખાઓએ મનીષ પ્લાસ્ટિક શોપના માલિકને દુકાનમાં ઘુસી માર મારી સામાન રોડ પર ફેંકી આતંક મચાવ્યો હતો. ઘટનાનો વીડિયો વાયરલ થતાં ઇસનપુર પોલીસે વેપારીની ફરિયાદ લેવાની તજવીજ કરી લુખ્ખા તત્વોને ઝડપી લેવા માટે ટિમો રવાના કરી છે.

અંગેની વિગત મુજબ ઇસનપુર બ્રિજ નીચે ચાર રસ્તા પાસે આવેલી મનીષ પ્લાસ્ટિક નામની દુકાનમાં 4 જેટલા અસામાજીક તત્વો ઘુસી ગયા હતા. આરોપીઓએ દુકાનના માલિકને મારમાર્યા હતા. દરમિયાનમાં સ્થાનિક લોકો વચ્ચે પડતા ગુંડાઓ સ્થળ પરથી જતા રહ્યા હતા. જોકે થોડીવાર બાદ ફરી દુકાનમાં ઘુસી આવેલા શખ્સોએ તોફાન કર્યું હતું.

એક શખ્સે દુકાનની અંદર પડેલા પ્લાસ્ટિક સામાનના બોક્સ ઉઠાવી રોડ પર ફેકયા હતા. જેના પગલે ટ્રાફિકથી ભરચક રોડ પર સમાન વવારવિખેર હાલતમાં પપડ્યો હતો. બનાવને પગલે સ્થળ પર લોકોની ભીડ જમા થઈ ગઈ હતી. સ્થાનિક લોકોએ ઘટનાના વીડિયો અને સીસીટીવી ફૂટેજ વાયરલ કર્યા હતા.

બનાવની જાણ થતાં ઇસનપુર પોલીસે સ્થળ પર જઈ તપાસ હાથ ધરી હતી. ઇસનપુર પોલીસ સ્ટેશનના પીઆઈ જે.એમ.સોલંકીએ જણાવ્યું હતું કે, ભોગ બનનાર વેપારીએ પોલીસનો સંપર્ક કર્યો હતો. લુખ્ખા તત્વો વિરુદ્ધ ફરિયાદ નોંધવાની કાર્યવાહી ચાલુ છે. આરોપીઓને ઝડપી લેવા માટે ટિમો રવાના કરવામાં આવી છે.

સોલાના ચાંદલોડિયા વિસ્તારમાં લુખ્ખા તત્વો દ્વારા નશામાં ધૂત કોન્સ્ટેબલ પર થયેલા ઘાતક હુમલાની શાહી હજુ સુકાઈ નથી. તે દરમિયાનમાં ઇસનપુરમાં લુખ્ખા તત્વો દ્વારા વેપારીને મારમારવાની ઘટનાના પડઘા રોકવા માટે પોલીસે આરોપીઓને ત્વરિત ઝડપી લેવા કાર્યવાહી શરૂ કરી છે.

(11:15 pm IST)