Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

દાહોદ જિલ્લામાં આઠમાંથી એક માત્ર ઉમરીયા ડેમ છલકાયો : અન્ય 7 ડેમમાં અદલવાડા સિવાય તમામ ડેમમાં પાણી નહિવત

ડેમમાંથી અપાતા સિંચાઇની સુવિધા પ્રભાવિત થશે અને તેની વિપરીત અસર ખેતી પર પડશે

દાહોદ જિલ્લામાં આ ચોમાસે આઠ માંથી એક માત્ર ઉમરીયા ડેમ આજે છલકાતાં સ્થાનિકોમાં આનંદની લાગણી વહેતી થઇ છે.બાકીના 7 ડેમમાં અદલવાડાને બાદ કરતાં તમામ ડેમમાં પાણીની સપાટી કંગાળ સ્થિતિએ હોવાથી ચિંતાના વાદળો છવાયા છે. જે ડેમોમાંથી સિંચાઇ થાય છે તે વિસ્તારોમાં ખેતીને વિપરીત અસર થવાની સંભાવનાઓ સેવાઈ રહી છે.

દાહોદ જિલ્લામાં ધીમે ધીમે વરસાદની ઘટ પુરાઇ રહી હોવા છતાં તમામ ડેમ ખાલી છે. તેવા સમયે આ ચોમાસામાં પ્રથમ વખત જિલ્લાના આઠ ડેમ પૈકીનો એક માત્ર ઉમરીયા ડેમમાં 100 ટકા પાણી ભરાઇ જતાં છલકાઇ ગયો છે. જેથી આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં હર્ષની લાગણી ફેલાઇ ગઇ છે. હાલમાં જિલ્લાના 7 ડેમ પૈકી અન્ય એક ડેમ છલકાય તેવા ચિન્હો દેખાઇ રહ્યા છે પરંતુ બીજા કોઇ ડેમ આ ચોમાસે છલોછલ ભરાય તેવા સંકેત જોવા મળી રહ્યા નથી.

દાહોદ જિલ્લામાં આ ચોમાસે રહી રહીને વરસાદ વરસતો રહ્યો છે, પરંતુ એકેય વખત હેલી થઇ નથી. જિલ્લામાં હપ્તે હપ્તે થયેલા વરસાદને કારણે ખેતીની સ્થિતિ એકંદરે સારી હોવાનું જણાઇ રહ્યું છે. પરંતુ જિલ્લાના તમામ 8 ડેમમાં નવા નીરની આવક સંતોષકારક થઇ નથી. તેમાંયે ચિંતાનો વિષય એ છે કે, આ ચોમાસે એકેય વખત એકેય ડેમ એવો ઓવરફ્લો થયો નથી કે જેને કારણે કાંઠા વિસ્તારના ગામડાઓમાં સ્થળાંતર કરવાની સ્થિતિ સર્જાઇ શકે.

બીજી તરફ ચોમાસુ હવે છેલ્લા ચરણમાં આવી ગયુ છે ત્યારે છેલ્લે વરસતા વરસાદને કારણે આજે અને આખીયે વર્ષાઋતુમાં પ્રથમ વખત ઉમરિયા ડેમમાં 100 ટકા પાણી ભરાતાં ડેમ છલકાઇ ગયો છે. આ સમાચાર જિલ્લામાં સોશિયલ મીડિયા દ્રારા ફેલાઇ જતાં નાગરિકોમાં સ્વાભાવિક રીતે જ આનંદની લાગણી ફેલાઇ છે. જો કે પાણી ઓસરતાં ફરીથી સપાટી નીચી આવી જશે તે પણ એટલી જ નિશ્ચિત બાબત છે. અન્યથા વરસાદ યથાવત રહેશે તો વધારે પાણીની આવક થઇ શકે છે.

તેવા સમયે જિલ્લામાં બાકીના 7 ડેમની સ્થિતિ પણ સારી નથી.તેમાંથી એક માત્ર અદલવાડા ડેમ 80 ટકા ભરાયેલો છે.આ ડેમ આગામી સમયમાં અવિરત વરસાદ વરસે તો નજીકના ભવિષ્યમાં છલકાઇ શકવાની સંભાવના દેખાઇ રહી છે.બાકીના ડેમોમાં પાણીની સપાટીની ચિંતાજનક સ્થિતિ છે ત્યારે કબુતરી ડેમ તો હજી પણ તળિયે જ છે.કારણ કે આ ડેમમાં માત્ર 31 ટકા જેટલુ જ પાણી છે ત્યારે આવા તમામ ડેમમાંથી અપાતા સિંચાઇની સુવિધા પ્રભાવિત થશે અને તેની વિપરીત અસર ખેતી પર પડશે તેમ લાગી રહ્યુ છે.

(11:14 am IST)