Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

નર્મદામાં દર સેકન્‍ડે ૧૪ લાખ લીટર પાણીની આવકઃ સપાટી ૧૧૬.૩૮ મીટરેઃ પીવાના પાણીનું સંકટ તણાયું

રાજકોટ, તા. ૨૨ :. ગુજરાતના અનેક વિસ્‍તારોને પીવાનુ અને સિંચાઈનું પાણી પુરૂ પાડતા અને જળ વિદ્યુત ઉત્‍પન્‍ન કરવામાં ઉપયોગી કેવડીયા કોલોની ખાતેના નર્મદા ડેમમાં પાણીની જોરશોર આવક છે. મધ્‍ય પ્રદેશમાં ભારે વરસાદ થતા તેનો સીધો લાભ ગુજરાતને મળી રહ્યો છે. આજે બપોરની સ્‍થિતિ મુજબ નર્મદા ડેમમાં દર સેકન્‍ડે કુદરતી રીતે ૧૪ લાખ લીટર જેટલુ પાણી ઠલવાય રહ્યુ છે. આજે બપોરે સપાટી ૧૧૬.૩૮ મીટરે પહોંચી છે. આવક મોટા પ્રમાણમાં ચાલુ છે.

નર્મદામાંથી રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-ગુજરાતના વિસ્‍તારોને પીવાનું પાણી મળે છે. છેલ્લા અઠવાડીયામાં ડેમની સપાટીમાં વીસેક ફૂટનો વધારો થતા આવતા એક વર્ષ માટે પીવાના પાણીની રાહત થઈ ગઈ છે. સંપૂર્ણ જળ સંકટના નિવારણ માટે હજુ વધ આવક જરૂરી છે. નર્મદા ડેમની કુલ સપાટી ૧૩૮ મીટર છે. પાણીની પ્રચંડ આવકને કારણે ઘણી રાહત થઈ ગઈ છે.

(6:49 pm IST)