Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર... ધરમપુર અને વધઇમાં ૪ ઇંચ અનેક નદીઓમાં પૂર.. બે કાંઠે

રાજકોટ, તા.૨૨:  છેલ્લા ત્રણેક દિવસથી સમગ્ર દક્ષિણ ગુજરાતમાં  મેઘમહેર ચાલી રહી છે.

દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહીના પગલે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ વરસાદ વદ્યઈ અને ધરમપુરમાં ૪ ઈંચ નોંધાયો છે. ભારે વરસાદના પગલે અંબિકા, ઔરંગા નદી બે કાંઠે વહી રહી છે. જયારે ડાંગમાં ભારે વરસાદના પગલે ૧૧ ગામ સંપર્ક વિહોણા થઈ ગયા છે. ભારે વરસાદના પગલે નદીઓના જળ સ્તર વધી રહ્યા છે.

મધ્યપ્રદેશમાં વરસાદ પડતાં હથનૂર ડેમના તમામ દરવાજા ખોલી દેવાયા છે. જેના કારણે ૧,૨૯,૩૪૧ કયુસેક પાણીનો આઉટફ્લો ઉકાઈ ડેમમાં ઠલવાશે. આ ઉપરાંત સારંગખેડા અને પ્રકાશ બેરેજના દરવાજા ખોલાતા ૭૬૦૨૮ કયુસેક પાણી છોડાયું છે. જેથી ઉકાઈ ડેમની સપાટીમાં ભારે વધારો થવાની સંભાવના છે. જયારે સુરતમાં છેલ્લા ૧૨ કલાકમાં સામાન્ય વરસાદ નોંધાયો છે. અને જિલ્લાના ઉમરપાડામાં સૌથી વધુ ૩ ઈંચ વરસાદ નોંધાયો છે.

છેલ્લા ૨૪ કલાકમાં ડાંગના વદ્યઈમાં ૪ ઈંચ જેટલો વરસાદ ખાબકયો છે. જેથી અંબિકા, ખાપરી, પૂર્ણા, ગીરા નદી બંને કાંઠે ધસમસતા વહેણ વહેતા થતા કેચમેન્ટ એરિયામાં આવતા ૧૧ ગામો સંપર્કવિહોણા થવા સાથે જનજીવનને અસર પહોંચી છે. અંબિકાએ રૌદ્ર રૂપ ધારણ કરતા કેચમેન્ટ એરિયામાં આવતી નદીઓમાં પૂર આવ્યા.

વલસાડની ઔરંગા નદી બે કાંઠે

વલસાડ જિલ્લામાં સૌથી વધુ આદિવાસી વિસ્તાર ધરાવતા ધરમપુરમાં ૪ ઇંચ જેટલો ધોધમાર વરસાદ પડ્યો છે.જેને લઇ શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં પાણીના દ્રશ્યો ફરીથી જોવા મળ્યા છે. ઉપરવાસમાં થયેલા વરસાદના કારણે તાન અને ઔરંગા બે કાંઠે વહી રહી છે. આખો દિવસ વાદળો છવાયેલા રહેવા સાથે વરસાદ સમયાંતરે પડતાં વર્ષાઋતુનું ઠંડુ વાતાવરણ અકબંધ રહ્યું હતું. (૨૩.૧પ)

(3:42 pm IST)