Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd July 2020

શ્રાવણ મહિનો શરૂ થતા બટાટા અને ટામેટાના ભાવમાં વધારો

અમદાવાદમાં શાકભાજી વધુ મોંઘી થઈ રહી : ટામેટાના છૂટક ભાાવ ૧૦૦ રૂપિયા નજીક, આદુ, લસણ અને ફ્રેન્ચ બીન્સના કિલોના ભાવ ૧૦૦ રૂપિયાને પાર

અમદાવાદ, તા.૨૨  : શ્રાવણ મહિનો શરૂ થતા અને સપ્લાયમાં અવરોધ થતા અમદાવાદમાં શાકભાજી વધુ મોંઘી થઈ રહી છે. જેમાં ખાસ કરીને બટાટા અને ટામેટાનો સમાવેશ થાય છે. હોલસેલ માર્કેટમાં બટાટાના ભાવ ગત વર્ષની સરખામણીમાં બમણા કરતા વધારે થઈ ગયા છે. જ્યારે ટામેટાના ભાવમાં આશરે ૧૦ ટકાનો વધારો થયો છે. જોકે, ટામેટાના છૂટક ભાાવ ૧૦૦ રૂપિયા કિલોની નજીક છે. આદુ, લસણ અને ફ્રેન્ચ બીન્સના ભાવ પહેલાથી કિલોએ ૧૦૦ રૂપિયાને પાર કરી ગયા છે. અમદાવાદ કૃષિ પેદાશ બજાર સમિતિના સેક્રેટરી દીપક પટેલે જણાવ્યું હતું કે, 'શ્રાવણની શરૂઆત સાથે બટાટાની માંગમાં વધારો થયો છે, પરિણામે ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે. આ ઉપરાંત ટામેટા સહિત શાકભાજીનો પુરવઠો ઓછો છે.

          લ્લ પટેલે જણાવ્યું હતું કે, જથ્થાબંધ બજારમાં બટાટાના ભાવમાં થોડાક રૂપિયાનો વધારો થશે, જ્યારે ટામેટાનો ભાવ ઘટશે. તેમણે ઉમેર્યું કે, લોકડાઉન દરમિયાન લોકોએ ડુંગળી અને બટાટાનો સ્ટોક કરતા તેની માંગ વધી હતી જ્યારે લીલા શાકભાજીની માંગ ઘટી હતી. જેતલપુર એપીએમસીના એક વેપારીએ કહ્યું કે 'શાકભાજીનો પુરવઠો ઓછો છે. છૂટક વેપારીઓને જેતલપુરની મુસાફરી કરવાની ફરજ પડે છે. વેપારીના પરિવહનમાં ખર્ચ થવાને કારણે પણ શાકભાજીના છૂટક ભાવ વધી રહ્યા છે. તેમણે કહ્યું કે ટામેટાની અછત સાથે ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. એક મહિના પહેલા શહેરમાં દરરોજ ૨૫ ટ્રક આવતી હતી, જ્યારે ભાવ ૧૦ રૂપિયાથી ૨૦ રૂપિયા હતા ત્યારે શુક્રવારે માત્ર ૧૫ ટ્રક આવી હતી. ટામેટા માટે રાજ્ય મહારાષ્ટ્ર અને બેંગ્લોર પર નિર્ભર છે. પુરવઠો ઓછો હોવાને કારણે ભાવ વધી રહ્યા છે. બટાટાના વેપાર માટેના સૌથી મોટા માર્કેટ યાર્ડ ડીસા એપીએમસીના સેક્રેટરી અમૃત જોશીએ જણાવ્યું હતું કે, ' ઉત્તર પ્રદેશમાં પાક નિષ્ફળ ગયો હોવાને કારણે ગયા વર્ષેની તુલનામાં આ વર્ષે બટાટાની કિંમતો વધારે છે. લોકડાઉન દરમિયાન બટાટા, ડુંગળી અને ટામેટાની માંગમાં વધારો થયો હતો અને કોલ્ડ સ્ટોરેજમાંથી સ્ટોક બજારમાં વેચાયો હતો. જોકે, હવે યુપી અને બિહારમાં પણ માંગ વધી રહી છે.

(8:06 pm IST)