Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd July 2020

પાંચ- પાંચ પેઢીને નજર સમક્ષ કિલ્લોલ કરતી જોઈ ૧૦૮ વર્ષના અંદરમાનું સ્વર્ગારોહણ

અંગ્રેજ યુગની સોંઘવારી, આજની મોંઘવારી અને લોકશાહી પણ જોઈ હતી

થરાદઃ ૪૨ ગામ શ્રીમાળી બ્રાહ્મણ સમાજ માટે ગૌરવ સમાન એવાં અંદરમાંએ મનુષ્યજીવનમાં ૧૦૮ વર્ષ અણનમ અને અડીખમ રહી પોતાના જ પરિવારમાં ૮૮ સદસ્યોની પાંચમી પેઢી નિહાળીને ભગવાનનું કિર્તન કરતાં કરતાં રવિવારે કૈલાસવાસી થયા હતા. ૧૦૮વર્ષની ઉંમર ધરાવતાં અંદરમાં તાલુકાનાં એક માત્ર મોટી ઉંમરનાં વૃધ્ધા હતા.

તેમના મોઢેથી રાજાશાહી અને લોકશાહી બન્નેની વાતો સાંભળવા મળી હતી. અત્યારની મોંઘવારીના સંદર્ભમાં તેમના જમાનામાં સોંઘવારીની વાત કરતાં અંદરમાં કહેતાં કે એક રૂપીયે કિલો ઘી, એક રૂપીયે મણ બાજરી અને અઢી રૂપીયે એક તોલો સોનું તેમના જમાનામાં ખરીદયા હતાં. જો કે તેમના જમાનામાં રૂપીયો એ આજના જેવો તકલાદી નહીં પણ ચાંદીનો હતો.

તેમની ઉમરમાં વિતેલા સમયકાળમાં  વરસાદ નહીં પડવાના કારણે ઉપરા ઉપરી સતત બે વર્ષ (વિક્રમ સંવંત ૨૦૨૫, ૨૦૨૬) જેવા દુષ્કાળ પણ જોયા હતા. એ કાળમાં કોઈ વખત સરકાર દ્વારા અપાતી સહાય તો કોઈ વખત ભૂખ્યા પેટે પાણી પીને દિવસો ગુજાર્યા હોવાનું સાંભળવા મળ્યું હતું.

ભુતકાળને વાગોળતાં તેમણે જણાવેલ કે રજવાડા વખતમાં તેમને ખેતરમાં પાકતા અનાજ ઉપર કર  આપવો પડતો હતો. ત્યાર બાદ ટોપાવાળા સાહેબો (અંગ્રેજો) ઘોડા લઈને આવતા હતા.

અત્યારની લોકશાહીમાં સૌથી વયોવૃદ્ધ જૈફ મતદાતા તરીકે લગભગ અંદરમાનું નામ હતું.

અંદરમાએ ૧૦૮ વર્ષની વયે તેમના પુત્ર ધનેશ્વરભાઈ પાસે ગીતાજીનો પાઠ સાંભળતાં સાંભળતાં જ એકાએક મનુષ્ય દેહનો ત્યાગ કર્યો હતો.

તેમના પરિવારે વર્ષો પહેલાં  જીવતાં જગતીયું કરીને અંદરમાની શતાબ્દિ વર્ષગાંઠની ઉજવણી પણ કરી હતી.

થરાદ તાલુકાના જમડા ગામનાં અને પોતાના પુત્રો સાથે રહેતાં અંદરબેન આશારામભાઈ દવે તેમના પુત્રો અને પૌત્ર, પ્રપૌત્રો મળીને પરિવારના ૮૮ સભ્યોને હુંફ છિનવાયાનો અહેસાસ કરાવતાં ગયાં હતાં.

(1:04 pm IST)