Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd July 2020

શિક્ષકોના પડતર પ્રશ્નોનો એક માસમાં ઉકેલ નહીં આવે તો શિક્ષક સંઘની આંદોલનની ચિમકી

ગાંધીનગર ખાતે શિક્ષક સંઘના આગેવાનોએ વિસ્તૃત આવેદનપત્ર પાઠવ્યું

અમદાવાદ, તા., રરઃ ગુજરાતના ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યકિ શાળાના  શિક્ષકો-કર્મચારીના પડતર પ્રશ્ને ઉકેલ નહી આવતા હવે આંદોલનનું શસ્ત્ર શૈક્ષણીક મહામંડળે ઉપાડયું છે.

અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષકો-કર્મચારીઓના અગત્યના પડતર પ્રશ્નોના ઉકેલ માટે ગઇકાલે રાજયના મંત્રીઓ, સચિવ સહીતના અધિકારીઓને ગુજરાત રાજય માધ્યમિક શિક્ષક સંઘ અને ગુજરાત રાજય ઉચ્ચતર માધ્યમિક  શિક્ષક સંઘના હોદેદારોએ રૂબરૂ મળી આવેદનપત્ર આપ્યું હતું.

આગામી સપ્તાહે તમામ મંત્રી, કલેકટર, સાંસદ, ધારાસભ્યો તથા ડીઇઓને આવેદનપત્ર અપાશે. આમ છતાં એક મહિનામાં ઉકેલ નહી આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. માર્ચ-ર૦૧૯ની ધો.૧૦ અને ધો.૧રની પરીક્ષા વખતે સંગઠન દ્વારા પરીક્ષાની કામગીરીનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો. તે વખતે શિક્ષણમંત્રીની દરમિયાનગીરીથી સમાધાન કરવામાં આવ્યું હતું અને મહામંડળ દ્વારા બહિષ્કારનું એલાન પરત લઇ કામગીરી શરૂ કરી હતી.  જો કે ત્યાર બાદ હજુ સુધી આ પ્રશ્નોનો ઉકેલ આવ્યો નથી. આ પ્રશ્નોને લાંબો સમય થઇ ગયો હોઇ કર્મચારીઓમાં ભારે અસંતોષ પ્રવર્તી રહયો છે. જેથી મહામંડળ દ્વારા મંગળવારે રાજયના શિક્ષણમંત્રી સહીત હોદેદારોને આ અંગે આવેદનપત્ર સુપ્રત કર્યુ હતું.

(1:03 pm IST)