Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd July 2020

કોરોનામાં નકલી પોલીસનો સ્વાંગ: કોઈએ પગાર કઢાવવા તો કોઈએ તોડ કરવા નકલી પોલીસ બન્યા :2 ઝડપાયા, 2 ફરાર

ક્રાઇમ બ્રાન્ચની ઓળખ આપી બે શખ્સો વાહનની તલાશી લેતાં હતાં. યુવકે આઈ કાર્ડ માંગતા એક ભાગ્યો તો બીજો પકડાઈ ગયો હતો.

 

અમદાવાદઃ વાસણાનાં ચન્દ્રનગર પાસે નોકર નકલી પોલીસ લઈને લોકડાઉનનો પગાર કઢાવવા આવ્યો તો શેઠે અસલી પોલીસને જાણ કરી પકડાવી દીધા હતાં. અન્ય ઘટનામાં શાહીબાગમાં એક્ટિવા પર જતાં યુવકને રોકીને ક્રાઇમ બ્રાન્ચની ઓળખ આપી બે શખ્સો વાહનની તલાશી લેતાં હતાં. યુવકે આઈ કાર્ડ માંગતા એક ભાગ્યો તો બીજો પકડાઈ ગયો હતો.

વાસણામાં પ્રતાપકુંજ સોસાયટીમાં રહેતાં અને વસ્ત્રાલ પિલ્લર 80 પાસે શ્રીજી માર્કેટિંગનાં નામે વેપાર કરતા ધર્મેન્દ્ર ભિખાભાઈ વિઠ્ઠલપરાને ત્યાં ચિરાગ પવાર રૂ.13 હજારમાં નોકરી કરતો હતો. ધર્મેન્દ્રભાઈએ ફેબ્રુઆરી માસમાં ચિરાગનો હિસાબ કરી તેણે છૂટો કરી દીધો હતો. ચિરાગ લોકડાઉનનો હિસાબ માંગી રહ્યો હતો. દરમિયાનમાં ધર્મેન્દ્રભાઈને ત્યાં બાપુનગર પોલીસ સ્ટેશનમાંથી આવતો હોવાનું જણાવી હાર્દિક નામનો શખ્સ ગયો હતો.

ત્યારે ધર્મેન્દ્રભાઈને પુત્રીએ ફોન કરી જાણ કરી હતી. ધર્મેન્દ્રભાઈએ વાત કરતા હાર્દિકે તમારા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. ધર્મેન્દ્રભાઈએ પોલીસ સ્ટેશન આવવાનું કહેતા આરોપીએ લાલદરવાજા પછી ચન્દ્રનગર બોલાવ્યા હતાં. ધર્મેન્દ્રભાઈએ જઈને જોયું તો પોલીસ લખેલી કેપ પહેરી એક શખ્સ ઉભો હતો અને તેની જોડે ચિરાગ હતો. ધર્મેન્દ્રભાઈએ આઈ કાર્ડ માંગતા ચિરાગ ત્યાંથી નીકળી ગયો જ્યારે પોલીસ કેપ પહેરીને ફરતા હાર્દિકને લઈ તેઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતાં. બાપુનગર પોલીસે હાર્દિક અને ચિરાગ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

બીજી બાજુ શાહીબાગ વિસ્તારની ઘટનામાં દરિયાપુર ખાતે પિતાની દુકાનમાં બેસતો ધવન રમેશ પ્રજાપતિ એક્ટિવા લઈને રવિવારે બપોરે માનસીક આરોગ્યની હોસ્પિટલ પાસેથી પસાર થતો હતો. તે સમયે બાઈક પર આવેલા બે શખ્સે ધવનને રોકી અમે ક્રાઈમ બ્રાંચમાંથી આવીએ છીએ તેમ કહીને તારી ડેકી ખોલ તેમ કહ્યું હતું. ધવને બંન્નેને તમે સાદા કપડામાં છો એમ કહી આઈકાર્ડ બતાવો તેમ કહેતા બાઈક ચાલક શખ્સ ભાગી ગયો હતો. જ્યારે બીજા શખ્સને મિત્રની મદદથી પકડી ધવને માધવપુરા પોલીસને સોંપ્યો હતો. પકડાયેલા શખ્સનું નામ યુસુફ ઇબ્રાહીમ સંઘી અને તેનાં સાગરીતનું નામ મો.ઈલિયાસ ઉર્ફ ભૂરો હોવાનું જાણવા મળ્યું છે.

(11:20 pm IST)