Gujarati News

Gujarati News

News of Monday, 22nd June 2020

વડોદરા પંથકમાં એક સાથે ર જગ્યાએ દારૂની મહેફીલમાં દરોડા : આમોદર પાસે ૭ વિદ્યાર્થી અને પ વિદ્યાર્થીનીઓ અને પાદરાના ડભાસમા સરપંચના ફાર્મ હાઉસમાં દારૂની મહેફીલ માણતા ૧૩ ઝડપાયા

વડોદરા,તા.રર : ગુજરાતમાં દારૂબંધીનાં કડક અમલની સરકાર વાતો કરી રહી છે ત્યારે એવામાં રાજયનું સંસ્કાર નગરી કહેવાતું વડોદરામાં એક સાથે બે જગ્યાઓ પર પોલીસે દારૂની મહેફીલો માણતા હતાં તેવી જગ્યાએ દરોડા પાડ્યાં હતાં. જેમાં એક પાદરાનાં ડભાસમાં દારૂની મહેફિલ માણતા ઝડપાયાં છે અને બીજી જગ્યાએ અમોદર ગામમાંથી પોલીસે ૭ યુવક અને ૫ યુવતીઓને દારૂની બોટલો સાથે ઝડપી પાડ્યાં હતાં.

વડોદરાની સુમનદીપ મેડીકલ કોલેજનાં વિદ્યાર્થીઓ દારૂની મહેફિલ માણતા ઝડપાયા હતાં. આ તમામ વિદ્યાર્થીઓની અટકાયત કરવામાં આવી છે. આમોદર નજીક આવેલી શ્યામલ કાઉન્ટી સોસાયટીમાં દારૂની મહેફીલ માણતા ઝડપાયા હતાં. પરંતુ ત્યાંના સ્થાનિકોએ પોલીસને જાણ કરતા મહેફીલનો ભાંડો ફૂટ્યો હતો. જેથી તમામની વાઘોડિયા પોલીસે અટકાયત કરી હતી.

પોલીસે જે લોકોની અટકાયત કરી છે તેમાં ૭ યુવકો અને ૫ યુવતીઓનો સમાવેશ થાય છે. જો કે આ તમામને બાદમાં જામીન પર છોડી દેવાયા હતાં. મળતી માહિતી મુજબ વાઘોડિયા પોલીસે આ મામલાને દબાવવાનો પ્રયાસ કર્યો હતો. આ સાથે જ પોલીસે આ યુવક-યુવતીઓ પાસેથી દારૂની ખાલી બોટલો પણ જપ્ત કરી છે. મહત્વનું છે કે કોલેજમાં વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમ પૂર્ણ થયો હોવાંથી દારૂની મહેફીલ યોજી હોવાનું સામે આવ્યું છે.

બીજી બાજુ વડોદરાનાં પાદરાનાં ડભાસમાંથી પણ પોલીસે દારૂની મહેફિલ ઝડપી પાડી છે. આ મહેફિલમાં પોલીસે ૧૩ જેટલાં ખાનદાની નબીરાઓને ઝડપી પાડ્યાં છે. પોલીસે મોંદ્યાદાટ વાહનો સાથે મુદ્દામાલ જપ્ત કર્યો છે. ડભાસનાં સરપંચનાં ફાર્મ હાઉસમાં ચાલતી દારૂની મહેફિલ પોલીસે ઝડપી પાડી હતી. આ મહેફિલમાં પોલીસે ૧૩ નબીરાઓની ધરપકડ કરી છે.

(4:23 pm IST)