Gujarati News

Gujarati News

News of Monday, 22nd June 2020

આશિષ ભાટિયા વર્ણવે છે જગન્નાથ મંદિરની અથથી ઇતિ સુધીની તૈયારીઓ

થર્મલ ગનથી ટેમ્પરેચર ચેકીંગ, સેનેટાઇઝ કરી, ભીડ ન થાય તે રીતે ક્રમશઃ પ્રવેશઃ ૪ ડીસીપીના માર્ગદર્શનમાં પોલીસ સ્ટાફ તૈનાતઃ એસઆરપી ટૂકડીઓ પણ ખડેપગેઃ અમદાવાદમાં આગવું આયોજનઃ નેત્રોત્સવ વિધિ સંપન્નઃ મંગળા આરતી માટે અમિતભાઇને આમંત્રણઃ પહીંદ વિધિ વિજયભાઇ-નિતીનભાઇ હસ્તે : લાઇવ દર્શન માટે દુરદર્શન વિગેરે ચેનલોની વ્યવસ્થા ગોઠવાશેઃ સ્પેશ્યલ પોલીસ કમિશ્નર અજયકુમાર તોમર કહે છે કે પોલીસ સંપુર્ણ રીતે સજ્જ

રાજકોટ, તા., ૨૨: અમદાવાદની એૈતિહાસિક રથયાત્રા યોજવા પર હાઇકોર્ટ દ્વારા પ્રતિબંધ મુકયા બાદ મંદિરના મહંત  તથા ટ્રસ્ટીઓ દ્વારા હાઇકોર્ટના હુકમનો આદર કરી મંદિરની અંદર જ રથોની પુજનવિધિ સહિતની વિધીઓ કાલની રથયાત્રા સંદર્ભે કરવામાં આવી છે. મંગળા આરતી માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહને આમંત્રણ આપવામાં આવ્યું છે. પરંપરાગત રીતે પહીંદ વિધિ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી દ્વારા કરાવવાનો નિર્ણય કરાયો છે. જો કે ટોચના સૂત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ પોલીસ સતાવાળાઓને દિલ્હીથી અમિતભાઇના આગમન અંગે હજુ સતાવાર કોઇ જાણ કરવામાં આવી નથી.

મંદિરમાં જ તમામ ધાર્મિક વિધિઓ થવાની હોવાથી લોકો મોટી સંખ્યામાં ઉમટે નહી, અને જેઓને પ્રવેશ આપવાનો છે તેવા તમામના મુખ્ય દ્વાર પર થર્મલ ગનથી ટેમ્પ્રેચર માપ્યા બાદ જ પ્રવેશ આપવામાં આવશે. તમામને સેનીટાઇઝ કરવાનું પણ આયોજન  કરવામાં આવ્યાનું અમદાવાદના પોલીસ કમિશ્નર આશિષ ભાટિયાએ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યુ઼ છે.

લોકો ક્રમશઃ થોડી-થોડી સંખ્યામાં મંદિરમાં પ્રવેશ કરે અને અવ્યવસ્થા ન સર્જાય તે માટે ડીસીપી કક્ષાના ચાર જેટલા અધિકારીઓની આગેવાનીમાં પોલીસ સ્ટાફ તૈનાત કરવામાં આવશે. એસઆરપી ટુકડીઓ પણ તૈનાત કરવામાં આવનાર હોવાનું પોલીસ કમિશ્નર આશિષ ભાટિયાએ અકિલાને વિશેષમાં જણાવ્યું હતું.

દરમિયાન સૂત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ મંદિરની તમામ ધાર્મિક વિધિઓનો લોકોને લાઇવ દર્શનનો લાભ મળે તે માટે દુરદર્શન સહિતની વિવિધ ચેનલો મારફત વ્યવસ્થા કાર્યને આખરી ઓપ અપાઇ રહયો છે.

અત્રે યાદ રહે કે સુર્યગ્રહણ પુર્ણ થયા બાદ મંદિરના દ્વાર ખોલવામાં આવ્યા હતા. પરંપરાગત રીતે નેત્રોત્સવ વિધિ કરવામાં આવી હતી. ગઇકાલે જગન્નાથ મંદિરમાં તૈયારીઓના ભાગરૂપે એક અગત્યની મીટીંગ મળી હતી. જેમાં ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, પોલીસ વડા શિવાનંદ ઝા અને પોલીસ કમિશ્નર આશિષ ભાટિયા તથા સ્પેશ્યલ પોલીસ કમિશ્નર અજયકુમાર તોમર ઉપસ્થિત રહયા હતા. અકિલા સાથેની વાતચીતમાં સ્પેશ્યલ પોલીસ કમિશ્નર અજયકુમાર તોમરે જણાવેલ કે પોલીસ તરફથી કરવાની તમામ કાર્યવાહી પુર્ણ કરી છે અમે તમામ રીતે સજ્જ બન્યા છીએ.

(12:13 pm IST)