Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

સાયબર ક્રાઇમ કેસો ઉકેલવા રક્ષાશકિત યુનિ. મદદ કરશે

યુનિવર્સિટીના પ્રોફેસર-વિદ્યાર્થીઓ વ્હારે આવશે : સીઆઇડી ક્રાઇમ-રક્ષા શકિત યુનિવર્સિટીની વચ્ચે કરાર

અમદાવાદ,તા.૨૨ : કોમ્પ્યુટર-ઇન્ટરનેટ અને ટેક્નોલોજીના યુગમાં સાયબરને લગતા ગુનાઓનું પ્રમાણ વધ્યું છે. લોકોને લોભામણી લાલચ આપી લાખો રૃપિયાનાં ટ્રાન્ઝેક્શન કરીને ઠગ ટોળકી છેતરી જાય છે. આવા સાયબર ક્રાઈમના ગુનાઓના ભેદ ઉકેલવા માટે હવે સીઆઇડી ક્રાઈમ દ્વારા રક્ષા શક્તિ યુનિવર્સિટીના પ્રોફેસરની મદદ લેવામાં આવશે. સીઆઈડી ક્રાઈમ એન્ડ રેલવેઝ અને રક્ષા શક્તિ યુનિવર્સિટી વચ્ચે એમઓયુ કરવામાં આવ્યા છે. સીઆઈડી ક્રાઈમ માટે રક્ષા શક્તિ યુનિવર્સિટીના પ્રોફેસર અને વિદ્યાર્થીઓ ક્રાઇમ એનાલિસિસ અને રિસર્ચ કરશે અને સાયબર ક્રાઇમના કેસો ઉકેલવામાં મદદ કરશે. તદુઉપરાંત રક્ષા શક્તિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ઇન્ટર્નશિપ માટે સીઆઇડી ક્રાઈમમાં જશે. સાયબરના ગુનાઓનું પ્રમાણ સૌથી વધુ છે. પોલીસ મિલકત સંબંધી અથવા શરીર સંબંધી ગુનાઓનો ભેદ બાતમીદાર અને ટેક્નોલોજીથી ઉકેલી શકે છે, પરંતુ સાયબરને લગતા ગુનાઓનો ભેદ ઉકેલવા માટે આધુનિક ટેક્નોલોજી અને તેની માહિતીની જાણકારી હોવી જરૃરી છે, જેને લઇ સીઆઈડી ક્રાઈમ એન્ડ રેલવેઝ અને રક્ષા શક્તિ યુનિવર્સિટી વચ્ચે કરાર કરવામાં આવ્યા છે. સીઆઈડી ક્રાઈમના સાયબર સેલના અધિકારીઓને રક્ષા શક્તિ યુનિવર્સિટીના આઈટી વિભાગના પ્રોફેસર તાલીમ આપશે. સાયબરના ગુનાઓ ઉકેલવા ટેક્નોલોજી અને રિસર્ચ અંગેની માહિતી આપવામાં આવશે. ઉપરાંત હવે રક્ષા શક્તિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ક્રાઈમના ડેટા અંગે એનાલિસિસ પણ કરશે. કોઈપણ ક્રાઈમને લઈ રક્ષા શક્તિ યુનિવર્સિટીના પ્રોફેસર અને વિદ્યાર્થીઓ એનાલિસિસ કરીને સીઆઈડી ક્રાઈમને તે ગુનાને લગતી માહિતી પૂરી પાડશે. સીઆઈડી ક્રાઈમના વડા આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે રક્ષા શક્તિ યુનિવર્સિટી સાથે તાલીમ અને અલગ અલગ પાસા પર એમઓયુ કરવામાં આવ્યા છે. રક્ષા શક્તિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સીઆઇડી ક્રાઇમમાં ઇન્ટરર્નશિપ કરી શકશે. રક્ષા શક્તિ યુનિવર્સિટીના વડા વિકાસ સહાયે જણાવ્યું હતું કે, મુખ્યત્વે સાયબર અંગેની તાલીમ અને ક્રાઈમ એનાલિસિસ માટે આ એમઓયુ કરવામાં આવ્યા છે. તાજેતરમાં છેલ્લાં દસ વર્ષમાં ગુમ થયેલા લોકોના ડેટાનું એનાલિસિસ રક્ષા શક્તિ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવ્યુહતું. ડેટા પરથી મોડસ ઓપરેન્ડી તેમજ અલગ અલગમાહિતીઓ એકત્રિત કરવામાં આવે છે. સાયબર ક્રાઇમના ગુનાઓનો ભેદ ઉકેલવામાં રક્ષા શકિત યુનિવર્સિટીની મદદ ઘણી ઉપયોગી અને કારગત નીવડશે.

 

(9:16 pm IST)