Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

પ્રતિબંધિત પ્લાસ્ટિકના સંદર્ભે લોકો સીધી ફરિયાદ કરી શકશે

કોર્પોરેશન દ્વારા હેલ્પલાઇન શરૂ કરવા તૈયારી : પાંચથી ર૧ જૂન વેળા ૭૬૮૩ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જથ્થો જપ્ત કરાયો : ૩૮.૯૫ લાખથી વધુનો દંડ વસૂલાયો

અમદાવાદ,તા.૨૨ : તા.પ જૂનના વિશ્વ પર્યાવરણ દિવસથી શહેરમાં પ્લાસ્ટિકના પાણીનાં પાઉચ, ઝભલાં થેલી, પ્લાસ્ટિકનાં રેપર પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવાયો છે. હવે અમ્યુકો તંત્ર દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશ-વેચાણ કે સંગ્રહ અંગે સત્તાવાળાઓને ખાસ ફરિયાદ કરી શકાય તે દિશામાં ચક્રો ગતિમાન કરાયાં છે.  આ માટે આગામી દિવસોમાં હેલ્પલાઇન સહિતની વ્યવસ્થા અમલી બનવા જઇ રહી છે કે જેના મારફતે નાગરિકો સીધી ફરિયાદ કરી શકશે. અમ્યુકો તંત્ર દ્વારા તમામ ઝોનના શાકમાર્કેટ-મોલ, ખાણીપીણીનાં બજાર, રોડ પરનાં પાન પાર્લર, ચાની કીટલીઓ પર પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ ન થાય તે માટે વિશેષ અભિયાન હાથ ધરાયું હતું. મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમારના આદેશથી સમગ્ર શહેરમાં સઘન ઝુંબેશ હાથ ધરી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરાયો હતો. વેપારીઓ પાસેથી વહીવટી ચાર્જ વસુલ કરાઇને કુલ ૩૧૭ નોટિસ ફટકારાઇ હતી. જ્યારે નવરંગપુરાના બે સહિત કુલ ચાર ધંધાકીય એકમને તાંળાં મારી દેવાયાં હતાં. મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળા દ્વારા ગત તા.પ થી ર૧ જૂન દરમિયાન ૭૬૮૩ કિલો જેટલો પ્રતિબિંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરાઇ રૂ.૩૮.૯પ લાખથી વધુનો વહીવટી ચાર્જ વસુલ કરાયો છે જ્યારે ૧૪૪ ધંધાકીય એકમોને સીલ કરીને કુલ ૬પ૯૦ નોટિસ ફટકારાઇ છે.

મ્યુનિસિપલ સત્તાવાળાઓ દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશ-વેચાણ કે સંગ્રહ અંગે નાગરિકો સીધી ફરિયાદ કરી શકે તે માટેના ફરિયાદ નંબર ૧પપ૩૦૩ની અલાયદી વ્યવસ્થા ઊભી કરવા કે વિશેષ ફરિયાદ નંબરની વ્યવસ્થા દાખલ કરવાનીદિશામાં ચક્રો ગતિમાન કરાયાં છે. આગામી દિવસોમાં નાગરિકો માટે આવી સુવિધા ઉપલબ્ધ બનાવાશે.

(8:02 pm IST)