Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

વટવાની ઓમ ઓર્બિટ સ્કીમના બિલ્ડર પરીખની ધરપકડ કરાઇ

૭૮ લાખની ઠગાઈ અંગે બિલ્ડરો સામે ફરિયાદ : ૨૦૧૨માં શરૂ થયેલ સ્કીમમાં ૭૮.૭૫ લાખ આપી સાત ફ્લેટો બુક કરાવનાર બોડકદેવના રહીશને ફ્લેટ ન મળ્યા

અમદાવાદ,તા.૨૨ : શહેરના વટવા વિસ્તારમાં આવેલ ઓમ ઓર્બિટ ફ્લેટના બિલ્ડર જિગરભાઈ પરીખ અને ફેનિલભાઈ દવે વિરુદ્ધમાં ૭૮.૭૫ લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાતા બિલ્ડર લોબીમાં ભારે ચકચાર મચી ગઇ છે. ૨૦૧૨માં શરૂ કરાયેલી સ્કિમમાં રૂ. ૭૮.૭૫ લાખ આપી સાત ફ્લેટ બુક કરાવનાર બોડકદેવના રહીશને હજુ સુધી ફ્લેટ નહીં ફાળવતા તેમણે બિલ્ડરો સામે પોલીસ ફરિયાદ કરી છે. આ ફરિયાદ અનુસંધાનમાં પોલીસે હાલ આરોપી બિલ્ડર જિગર પરીખની ધરપકડ કરી હતી, જયારે બીજા બિલ્ડર ફેનિલ દવેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. બોડકદેવ વિસ્તારમાં આવેલ કસ્તૂરી કોમ્પ્લેક્સમાં રહેતા અને મૂળ જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના સંદીપભાઇ રામજીભાઇ બામરોલિયાએ વટવા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં કરેલા આક્ષેપ પ્રમાણે સંદીપભાઇ તથા તેમના મિત્રએ વટવા રિંગરોડ પર આવેલ ઓમ ઓર્બિટ નામની ફ્લેટની સ્કીમમાં સાત ફ્લેટ બુક કરાવ્યા હતા. સંદીપભાઇએ બુકિંગ એમાઉન્ટ પેટે રૂ.૭૮.૭૫ લાખ આપ્યા હતા. વટવા પોલીસ સ્ટેશનના પીએસઆઇ વાય.એ.ચૌહાણે જણાવ્યું હતું કે વર્ષ ૨૦૧૨માં ઓમ ઓર્બિટ નામની ફ્લેટની સ્કીમ જિગરભાઇ પરીખ અને ફેનિલભાઇ દવેએ શરૂ કરી હતી. ત્રણ બ્લોકની આ સ્કીમ તૈયાર કરવાની વાત બિલ્ડરે ગ્રાહકો પાસે કરી હતી. જેમાં વર્ષ ૨૦૧૨માં એક બ્લોકનું કામકાજ શરૂ પણ કરી દીધું હતું. વર્ષ ૨૦૧૨માં શરૂ થયેલી આ ફ્લેટની સ્કીમમાં હજુ સુધી એક જ બ્લોક બન્યો છે જેમાં કેટલાક લોકો રહેવા પણ આવી ગયા છે. બિલ્ડર જિગરભાઇ અને ફેનિલભાઇએ સંખ્યાબંધ લોકો પાસેથી લાખો રૂપિયા ફ્લેટના નામે પડાવ્યા છે. ઓમ ઓર્બિટ સ્કીમમાં એક બ્લોક તૈયાર કરવામાં આવ્યો છે ત્યારે બે બ્લોક છ વર્ષથી બનાવ્યા નથી. સંદીપભાઇ પોતાના ફ્લેટને કબજો લેવા માટે અને નવા ફ્લેટો ક્યારે શરૂ થશે તેની જાણકારી લેવા માટે અવારનવાર બંને બિલ્ડરને મળ્યા પરંતુ કોઇ સરખો જવાબ નહીં મળતાં અંતે વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. પીએસઆઇ જે.વાય.ચૌહાણે વધુમાં ઉમેર્યું હતું કે બંને બિલ્ડરે ફ્લેટ બનાવવાના બહાને લાખો રૂપિયા ખંખેરી લીધા છે.

પોલીસે હાલ બિલ્ડર જિગરભાઇની ધરપકડ કરી છે જ્યારે ફેનિલભાઇની ધરપકડ કરવાની બાકી છે. આવનારા દિવસોમાં ચીટિંગનો આંકડો એક કરોડને પાર થાય તેવી પણ શક્યતાઓ છે. છેલ્લા ઘણા સમયથી માત્ર સંદીપભાઇને નહીં પરંતુ અનેક લોકોને બંને જણા ગોળગોળ જવાબ આપી રહ્યા છે. પોલીસ આ કેસમાં યોગ્ય અને અસરકારક તપાસ હાથ ધરી રહી છે.

(8:02 pm IST)