Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

ચાલુ ચકડોળે લોક ખુલતા યુવતી એકાએક નીચે પડી

યુવતીના બનેવીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી : ઇજાગ્રસ્ત યુવતી હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ

અમદાવાદ,તા.૨૨ : સરખેજના અંબર ટાવર રોડ પર ઈદના તહેવારના દિવસે ભરાયેલા લોકમેળામાં ચાલુ ચકડોળે લોક ખૂલી જતાં યુવતી નીચે પટકાઈ હોવાની ઘટના બની હતી. યુવતીને ગંભીર ઈજાઓ થતાં તેને સારવાર માટે વી.એસ. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ઇજાગ્રસ્ત યુવતીના બનેવીએ આ બનાવ અંગે નોંધાવેલી ફરિયાદના આધારે સરખેજ પોલીસે ચકડોળના સંચાલક વિરુદ્ધ જરૂરી ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મહેસાણાના દેલ્લા ગામે આવેલા પઠાણવાસમાં રહેતા જુબેરખાન પઠાણ તા.૧૭ના રોજ ફતેહવાડી-સરખેજ ખાતે આવેલી નૂર મહંમદ સોસાયટીમાં તેમની સાસરીમાં ગયા હતા. ઈદનો તહેવાર હોઈ તેમની બે સાળીઓ સાથે રાતના દસ વાગ્યે સરખેજના અંબર ટાવર રોડના કાદરી પાર્ટી પ્લોટ પાસે ભરાયેલા લોકમેળામાં ફરવા માટે ગયા હતા. લોકમેળામાં આવેલા એક ચકડોળમાં તેઓ બેઠા હતા. દરમ્યાનમાં ચાલુ ચકડોળે અચાનક ઝટકો વાગતાં લોક ખૂલી ગયું હતું અને જુબેરખાનની નાની સાળી હુજેફાબાનુ (ઉ.વ.૧૮) ઊછળીને નીચે પટકાઈ હતી. ટિકિટબારીની આગળની લોખંડની એંગલ પર પટકાતાં હુજેફાબાનુને માથા અને પગમાં ગંભીર ઈજાઓ થઇ હતી.

તાત્કાલિક સારવાર માટે જુહાપુરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા બાદ વી.એસ. હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં તેની હાલત અતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. જુબેરખાનની ફરિયાદના આધારે સરખેજ પોલીસે ચકડોળના સંચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

(7:10 pm IST)