Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

સુરતના કચ્છી પટેલ પ્રૌઢ સામેની પુત્રવધુની ફરીયાદમાં બી-સમરી મંજુર

પુત્રવધુએ આવેશમાં આવી ખોટી ફરીયાદ કર્યાનું કબુલ્યુ...

સુરત, તા. ૨૨ :. વર્તમાન સમયમાં પ્રત્યેક સમાજમાં લાલબત્તી સમાન કિસ્સાઓ પ્રકાશમાં આવે છે તેમાથી બોધ મેળવી જાગૃત સમાજના આગેવાનો સુધારા-વધારા કરતા નજરે પડે છે. સુરતના વરાછા વિસ્તારના જય ભવાની સોસાયટીમાં દાયકાઓથી વસવાટ કરતા કચ્છી પટેલ મગનભાઈ વિશ્રામભાઈ સામે પુત્રવધુએ બળાત્કારની ફરીયાદ દાખલ કરતા ચકચાર થવા પામી હતી. પોલીસ તપાસના અંતે આવેશમાં ખોટી ફરીયાદ સાબિત થવાથી કોર્ટમાં 'બી' સમરી માટે મોકલતા ભોગ બનેલને રૂબરૂ બોલાવતા તેમણે સોગંદ ઉપર ખોટી ફરીયાદની કબુલાત આપતા કોર્ટે 'બી' સમરી મંજુર કરી હતી.

વરાછા પોલીસ સ્ટેશનના તપાસનીશ અધિકારીએ તપાસ આદરતા ફરીયાદી તથા પતિ રોહિત વચ્ચે લગ્ન બાદ કોઈ કારણસર મનદુઃખ થવાના કારણે અવારનવાર ઝઘડો તકરાર થતા હોય આ કામના ફરીયાદીને પતિ સાથે છુટાછેડા લેવા માટે કોઈ કારણ મળતુ ન હોય જેથી આવેશમાં આવી ભૂલથી આ કામના આરોપી પોતાના સસરા મગનભાઈ વિરૂદ્ધ મરજી વિરૂદ્ધ પોતાની સાથે બદકામ કરેલ હોવાની ખોટી ફરીયાદ લખાવેલ હોય તેથી ફરીયાદી વિરૂદ્ધ 'બી' સમરી વીથ પ્રોસીકયુશન મંજુર કરવા માટે કોર્ટને રીપોર્ટ કર્યો હતો.

સુરતના એડી. સીવીલ જજ અને જ્યુડી. મેજી.એ ફરીયાદી પુત્રવધુને સમન્સ મોકલતા કોર્ટમાં હાજર રહેલ, કોર્ટ સમક્ષ સોગંદ ઉપર 'બી' સમરીમાં જણાવેલ હકીકત પોતાને મંજુર છે. અમો ફરીયાદીએ આવેશમાં આવી જઈને ગઈ તા. ૨૭-૧૧-૧૭ના રોજ ફરીયાદમાં જણાવેલ આ કામના આરોપી એટલે કે સસરા મગનભાઈ વિશ્રામભાઈ પટેલ સામે ફરીયાદ આપેલી જેમાં અમો ફરીયાદીએ અમારા સસરા એટલે કે આરોપી વિરૂદ્ધ જે આક્ષેપો કરેલ છે તેવા આક્ષેપો મુજબનો કોઈ બનાવ બનેલ નથી અને ફરીયાદનું કારણ ઉભું કરવા માટે આવેશમાં આવી જઈને ખોટી ફરીયાદ આપેલી. પોલીસ દ્વારા જે આખરી અહેવાલ રજુ કરવામાં આવેલ છે તે સાચો અને ખરો છે. તેથી કોર્ટે 'બી' સમરી મંજુર કરી હતી. આ કામે આરોપી વતી એડવોકેટ જયંતભાઈ પંડયા રોકાયા હતા.(૨-૯)

(4:01 pm IST)