Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

રાજયના સહકારી રજિસ્ટ્રાર દ્વારા વિપુલ ચૌધરીને નોટિસ

ખોટી રીતે સભાસદ બન્યા હોઇ ખુલાસો મંગાયોઃ ૯મીએ સહકારી રજિસ્ટ્રાર સમક્ષ ઉપસ્થિત રહેવા તાકીદ ચૌધરીને નોટિસ અપાતાં સહકારી ક્ષેત્રે રાજકારણ ગરમાયુ

અમદાવાદ,તા.૨૧: મહેસાણામાં દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને રાજ્યના સહકારી રજિસ્ટ્રારે નોટિસ ફટકારી છે. નોટિસમાં ખોટી રીતે સભાસદ બન્યા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને આ અંગે ચૌધરીનો ખુલાસો મંગાયો છે. વિપુલ ચૌધરીને નોટિસ ફટકારાતાં ફરી એકવાર રાજયના સહકારી ક્ષેત્રમાં ચર્ચાનો માહોલ ગરમાયો છે. રાજ્યના સહકારી રજિસ્ટ્રાર દ્વારા દૂધસાગર ડેરીના પૂર્વ ડેરી ચેરમેન વિપુલ ચૌધરીને નોટિસ ફટકારવામાં આવતાં સહકારી ક્ષેત્રમાં ભારે ચકચાર જાગી છે. વિપુલ ચૌધરીની સાથે તેમની પત્ની અને માતાને પણ રજિસ્ટારે નોટિસ ફટકારવામાં આવી છે. નોટિસમાં વિપુલ ચૌધરીએ ખોટી રીતે સભાસદ બન્યા હોવાનો ઉલ્લેખ કરાયો છે. જો સભાસદ પદ રદ થશે તો વિપુલ ચૌધરી ચૂંટણી લડી શકશે નહીં.

ઉલ્લેખનીય છે કે, મહેસાણા દૂધ સાગર ડેરીમાં ચેરમેન તરીકેના કાર્યકાળ દરમિયાન વિપુલ ચૌધરીને સાગરદાણ કૌભાંડ, ખાંડ કૌભાંડ, ખોટી ભરતીઓ, દૂધ સંઘમાં અંગત ખર્ચાઓ અને ખોટા દાન સહિતના મુદ્દે રજીસ્ટ્રારે જવાબદાર ઠેરવ્યા હતા. હાલ ભાજપના સહકારી આગેવાન વિપુલ ચૌધરી ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના અધ્યક્ષ તરીકે સર્વાનુમતે ચૂંટાયા હતા. જો કે આ પદ થોડા જ સમયમાં છીનવી લેવામાં આવ્યું હતું. વિપુલ ચૌધરીએ દૂધ સાગર ડેરીમાં ચેરમેન તરીકે કાર્યકાળ દરમિયાન અનેક ગેરરીતિઓ આચરી હોવાના આક્ષેપો થયા હતા અને મામલો કાનૂની જંગ સુધી પહોંચ્યો હતો. આગામી તા.૯મી જૂલાઇએ રાજ્યના સહકારી રજીસ્ટ્રાર સમક્ષ હાજર થવા વિપુલ ચૌધરીને હુકમ કરવામાં આવ્યો છે. વિપુલ ચૌધરીને સરકાર તરફથી નોટિસ ફટકારાતાં સહકારી ક્ષેત્રનું રાજકારણ ફરી એકવાર ગરમાયું છે કારણ કે, ચૌધરી સહકારી ક્ષેત્રનું મોટુ માથુ મનાય છે.

(9:54 pm IST)