Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

સવર્ણો લાપસીના આંધણ મૂકેઃ આકર્ષક યોજનાઓ જાહેર થવાની તૈયારી

ગુજરાતમાં બિનઅનામત વર્ગની પ૮ જ્ઞાતિઓને રોજગારી અને ઉચ્ચ શિક્ષણ માટે આર્થિક સહાય મળશે : સરકારી નોકરીમાં ઉપલી વયમર્યાદામાં છુટછાટ આપવાની અને જિલ્લાવાર છાત્રાલય બનાવવાની વિચારણા

રાજકોટ, તા., રરઃ ગુજરાત સરકાર દ્વારા રાજયમાં બીન અનામત વર્ગની પ૮ જેટલી જ્ઞાતિઓને રોજગારી અને ઉચ્ચ શિક્ષણમાં સહાય આપવા માટેની શ્રેણીબધ્ધ યોજનાઓ તૈયાર થઇ ગઇ છે. ટુંક સમયમાં જ તેની જાહેરાત કરવામાં આવે તેવા નિર્દેશ મળ્યા છે. મુખ્યમંંત્રી શ્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલના નેતૃત્વ હેઠળની રાજય સરકાર સવર્ણો માટે આકર્ષક યોજનાઓ મુકી લોકસભાની ચુંટણીમાં તેનો લાભ લેવા માંગે છે.

હાલ અનામત વર્ગની જે જ્ઞાતિઓને સરકારી લાભ મળે છે  તેને કોઇ વિપરીત અસર પહોંચાડયા વગર બીન અનામત વર્ગની જ્ઞાતિઓને તેમાના કેટલાય લાભ આપવા તરફ સરકાર આગળ વધી રહી છે. બીન અનામત વર્ગના લોકોને ધંધા રોજગાર માટે લોન તેમજ સાધન સહાય આપવાની યોજના આવી રહી છે. ઉચ્ચ શિક્ષણ માટે શિષ્યવૃતિ અને લોનનો સમાવેશ કરવામાં આવશે. ઉપલી વય મર્યાદામાં વધારો કરી સરકારી નોકરીમાં અનામત વર્ગના વધુ લોકોને લાભ આપવાની તેમજ વિદ્યાર્થીઓ માટે જીલ્લાવાર ખાસ છાત્રાલય બનાવવાની યોજના વિચારાધીન છે. રાજય બહાર ઉચ્ચ અભ્યાસ માટે વિશેષ સહાય અપાશે.

બિન અનામત આયોગે રાજય સરકારને કરેલી ભલામણો પૈકી મોટા ભાગની ભલામણો સ્વીકૃતિની દિશામાં છે. બીન અનામત વર્ગ માટેની વિવિધ યોજનાઓ જાહેર થયા બાદ તે માટેના નિગમ દ્વારા તેનો અમલ કરવામાં આવશે. રાજયમાં પાટીદાર અનામત આંદોલન બાદ બીન અનામત વર્ગને વધુ કેટલાક લાભ મળવાનો રસ્તો ખુલ્યો છે.

(3:11 pm IST)