Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2019

પ્રચારના કોલાહલ વચ્ચે સન્નાટો 'બુલંદ': કાલના મતદાન પર મીટ

કોઇ લહેર કે અંડર કરંટ? મતદારોએ રાજકીય પંડિતોને વિચારતા કરી મૂકયાઃ જાત જાતના અનુમાનની આંધી : મતદારોએ પ્રચારના પ્રતિસાદમાં ઉમળકો બતાવ્યો જ નહિઃ ભૂતકાળની ચૂંટણીઓની સરખામણીએ આ વખતની ચૂંટણી દેખીતી ઘણી નિરસઃ મુદ્દા ઓછા ગાજયા, આક્ષેપો-પ્રતિઆક્ષેપો વધુ વરસ્યાઃ સોશ્યલ મીડીયાએ સાચી-ખોટી માહિતીથી ધરવી દીધાઃ ગુજરાતના પરિણામની અસર અન્યથી અનોખી

રાજકોટ, તા. ૨૨ :. ભારતની નવી સરકાર બનાવવા માટેની ચૂંટણી પ્રક્રિયામાં આવતીકાલે ગરવુ ગુજરાત સૂર પુરાવશે. કાલે તા. ૨૩મીએ સવારે ૭ થી સાંજના ૬ વાગ્યા સુધી લોકસભાની ૨૬ અને ધારાસભાની ૪ બેઠકો માટે ચૂંટણી થનાર છે. સામાન્ય રીતે ચૂંટણીમાં કોઈને કોઈ મુદ્દા ઉપસી આવતા હોય છે પરંતુ આ વખતે ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસ વગેરે રાજકીય પક્ષો એક પણ મુદ્દો એકધારો ચલાવી શકયા નથી. મેં હું ચોકીદાર અને ચોકીદાર ચોર હૈ.. જેવા સૂત્રો પ્રચલિત થયા છે. પ્રચારના ભારે કોલાહલ વચ્ચે મતદારોના અકળ મૌનનો સન્નાટો હોવાનું રાજકીય પંડીતોનું માનવું છે. ભૂતકાળની ચૂંટણીઓની સરખામણીએ આ વખતની ચૂંટણી દેખીતી ઘણી નિરસ છે. કાલના મતદાન પર સૌની મીટ મંડાયેલી છે.

લોકસભાની ચૂંટણી દેશની સરકાર નક્કી કરવા માટેની હોવાથી જે તે મત વિસ્તારના સ્થાનિક મુદ્દાઓ ઓછી અસર કરતા હોય છે. રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાના મુદ્દા વધુ ચાલે છે. ગુજરાતમાં મુખ્યત્વે ભાજપ અને કોંગ્રેસ એકબીજાના હરીફ છે. બન્ને પક્ષોએ મુદ્દા આધારીત ચૂંટણી માહોલ જમાવવાના બદલે એકબીજાને નીચા દેખાડવાનો વધુ પ્રયાસ કર્યો છે. પ્રજાને સ્પર્શતા મુદ્દા ઓછા ગાજ્યા છે અને આક્ષેપો-પ્રતિઆક્ષેપો અનરાધાર વરસ્યા છે. ભાજપે રાષ્ટ્રવાદ, રાષ્ટ્રીય સુરક્ષા અને પોતાની સરકારની કામગીરીના આધારે મત માંગ્યા છે. ૫ વર્ષથી કેન્દ્રમાં ભાજપની સરકાર હોવા છતા કોંગ્રેસની સરકાર વખતના મુદ્દાઓ ઉછાળી ભાજપે મતદારોને પોતાના તરફી ખેંચવા પ્રયાસ કર્યો છે. બીજી તરફ કોંગ્રેસે રાફેલ વિમાન પ્રકરણ, મોંઘવારી, કાળુ નાણુ વગેરેને પ્રચારના મુદ્દા બનાવ્યા છે. કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરાની વાર્ષિક ૭૨ હજારની આવકની ખાતરી આપતી ન્યાય યોજના પર તેમજ ખેડૂતો માટેના અલગ બજેટની જોગવાઈ પર વિશેષ ભાર મુકયો છે. દેશમાં કરોડો ખેડૂતો મતદાનમાં નિર્ણાયક હોવાથી બન્ને પક્ષોએ ખેડૂતોની સમસ્યા અને સુવિધા બાબતે વધુ ધ્યાન આપ્યુ છે.

દેશના વડાપ્રધાન અને શાસક પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ ગુજરાતના હોવાથી ગુજરાતના પરિણામની વિશેષ નોંધ લેવાશે. ગયા વખતે ૨૦૧૪માં તમામ ૨૬ બેઠકો ભાજપને મળેલ. આ વખતે ભાજપે તમામ જાળવી રાખવા સઘળી તાકાત કામે લગાડી છે. બીજી તરફ કોંગ્રેસે ૨૬ બેઠકોમા મોટો ભાગ પડાવવા કમર કસી છે. ભાજપ તરફથી નરેન્દ્રભાઈ મોદી, અમિતભાઈ શાહ, કેન્દ્રીય મંત્રીઓ, અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ વગેરે પ્રચારમાં આવી ગયા છે. કોંગ્રેસ વતી રાહુલ ગાંધી સહિતના દિગ્ગજોએ પ્રચાર કર્યો છે. ગઈકાલે પ્રચારના પડઘમ શાંત થઈ ગયા અને આવતીકાલના મતદાન આડે ગણતરીની કલાકો બાકી રહી છે છતાં મતદારોમાં ઉમળકો દેખાતો નથી. કોઈ લહેર છે કે અંડર કરંટ ? તે તો મત મશીનો ૨૩ મે એ ખુલે ત્યારે જ ખબર પડશે. સામાન્ય રીતે લહેર કોઈના તરફી હોય છે. રાજકીય પંડીતો આ વખતે આવી કોઈ લહેર હોવાની આગાહી કરતા નથી. અંડર કરંટ કોઈના તરફી અથવા વિરોધી હોય શકે. ગુજરાત અને દેશના મતદારો સમક્ષ સોશ્યલ મીડીયા અને અન્ય મીડીયાએ સાચી - ખોટી માહિતીનો અભૂતપૂર્વ જથ્થો ઠાલવી દીધો છે. ભૂતકાળની સરખામણીએ આ વખતે ચૂંટણીને લગતા સમાચારો - માહિતી સરળતાથી આંગળીના ટેરવે ઉપલબ્ધ હોવાથી મતદારોમાં ઉત્સાહ સર્જવામાં આ બાબતે પણ ભાગ ભજવ્યો હોય તેવી શકયતા નકારી શકાય નહિ. કાલના મતદાન પૂર્વે આજે સંભવિત પરિણામ બાબતે અનુમાનની આંધી આગળ વધી રહી છે.

એક નઝર ઇધર ભી...

રઘોઃ મને લોકશાહી પ્રણાલિકા પર અતૂટ ભરોસો છે. ઘરમાં સુખ-શાંતિ જળવાઇ રહે એટલા માટે મે ઘરમાં એક પદ્ધતિ બનાવી છે. મારી પત્ની નાણામંત્રી, મારા સાસુ રક્ષામંત્રી, મારા સસરા વિદેશ મંત્રી, સાળી જનસંપર્ક મંત્રી !

મઘોઃ તૂં પ્રધાનમંત્રી?

રઘોઃ ના, હું તો બિચારી જનતા છું!

(3:28 pm IST)