Gujarati News

Gujarati News

News of Sunday, 22nd April 2018

સુરત કેસ : આરોપીઓ સામે માનવ તસ્કરી કલમ ઉમેરાઇ

વિધવા માતા-પુત્રીના ડબલ મર્ડર-દુષ્કર્મ કેસ : ગુનામાં હરિઓમ અને મુકેશ નામના શખ્સોની સંડોવણી બહાર આવતાં તેમને પકડી લેવા ક્રાઇમબ્રાંચ રાજસ્થાનમાં

અમદાવાદ,તા. ૨૨ : ગુજરાત સહિત દેશભરમાં બહુ ચકચાર જગાવનાર સુરતના પાંડેસરા વિસ્તારમાં દુષ્કર્મ બાદ હત્યા કરાયેલી હાલતમાં મળી આવેલી ૧૧ વર્ષીય બાળકીના કેસમાં સુરત પોલીસ કમિશનર સતીષ શર્માએ બહુ મહત્વની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, આ સમગ્ર કેસમાં આરોપી હર્ષ સહાઇ ગુર્જર સહિતના આરોપીઓના અમાનવીય અને અત્યંત ઘૃણાસ્પદ કૃત્યને ધ્યાને લઇને હ્યુમન ટ્રાફિકિંગ(માનવ તસ્કરી)ની કલમોનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે. અતિ સંવેદનશીલ અને ખૂબ જ ગંભીર પ્રકારના આ ડબલ મર્ડર અને સામૂહિક દુષ્કર્મના કેસમાં હરિઓમ અને મુકેશ નામના શખ્સોની પણ સંડોવણી બહાર આવતાં સુરત ક્રાઇમ બ્રાંચની ટીમ તેઓને પકડવા માટે રાજસ્થાન પહોચી છે. તો, આ પ્રકરણમાં અન્ય કોઇ ગુનેગારની સંડોવણી છે કે કેમ તે મુદ્દે પણ શકમંદોની પૂછપરછ અને તપાસ ચાલી રહી છે. પાંડેસરા વિસ્તારમાંથી એક બાળકી અને કામરેજ વિસ્તારમાંથી એક મહિલાની લાશ મળી આવી હતી. જે કેસનો ભેદ ઉકેલાઈ ગયો છે. અને આરોપીની પોલીસે ધરપકડ કરી લીધી છે. સુરત પોલીસ કમિશનર સતિષ શર્માએ વધુમાં જણાવ્યું હતું કે, માતા-પુત્રીની નિર્દયતા પૂર્વક હત્યા કરનારો આરોપી હર્ષ સહાઇ ગુર્જર હાલ પોલીસના કબજામાં છે, ગઇકાલે રાત્રે આરોપી હર્ષ ગુર્જરને સુરત લાવવામાં આવ્યો છે. તેણે વિધવા માતા અને બાળકીની હત્યા કરી હોવાની કબૂલાત કરી છે. માતાની હત્યા બાદ બાળકીની હત્યા કરવામાં આવી છે. આરોપી માતા અને બાળકીને રાજસ્થાનથી લાવ્યો હોઇ હ્યુમન ટ્રાફિકિંગની કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે. માતા અને બાળકીની હત્યાના કેસમાં તમામ પુરાવાઓ આધારે ઝડપથી તપાસ કરવામાં આવી રહી છે. જેમાં આજે આરોપીને સાથે રાખીને સુરતમાં તેના નિવાસસ્થાને પણ તપાસ કરવામાં આવી હતી. તો બીજીબાજુ, માતા અને બાળકીની ઓળખ અંગે તપાસ ચાલું છે. તમામ પુરાવાઓ એકત્ર કરી આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને ઝડપથી કેસ ચલાવી તેઓને સખતમાં સખત સજા કરાવવા મહેનત કરાશે.

સુરત શહેરમાં હજુ વધુ સીસીટીવી લાગશે......

        અમદાવાદ,તા. ૨૨ : પોલીસ કમિશનર સતીષ શર્માએ વધુમાં ઉમેર્યું હતું કે, આ કેસમાં સીસીટીવીની મદદથી ગુનાનો ભેદ ઉકેલવામાં ઘણી મદદ મળી અને ઘણા ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે, તેથી સુરતમાં હજુ સંવેદનશીલ વિસ્તારો ખાતે વધુ સીસીટીવી લગાડવાની કામગીરી હાથ ધરવામાં આવશે. જેમાં ૬૦થી વધુ જગ્યાએ હાઇફ્રિકવન્સી સીસીટીવી જગ્યાએ લગાવવામાં આવશે. જ્યાં સંવેદનશીલ વિસ્તાર હોય અથવા જ્યાં સીસીટીવી નહીં હોય તે જગ્યાઓ પર સીસીટીવી લગાવવામાં આવશે. સુરત પોલીસે આ સમગ્ર ઘટનાકાંડ બાદ છેલ્લા ત્રણ દિવસથી વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ પણ વધારી દીધું છે.

હર્ષ ગુર્જરે ચાલુ કારમાં માતાની હત્યા કરી હતી

        અમદાવાદ,તા. ૨૨ :    સનસનીખેજ એવા આ કેસમાં ગુનાનો પ્રારંભ કામરેજના માનસરોવર કોમ્પલેક્સથી થયો હતો. હર્ષ ગુર્જર કામરેજથી વેગનઆર કારમાં વિધવા મહિલા અને તેની પુત્રી સાથે નીકળ્યો હતો. જે કાર તેનો મિત્ર કુલદીપ ચલાવતો હતો. કામરેજથી જ તેણે મહિલાને મારવાનું શરૂ કર્યું હતું અને રસ્તામાં જ ગુસ્સામાં આવેશમાં આવી તેનું ગળું દબાવી હર્ષે મહિલાની હત્યા કરી હતી. ત્યાર બાદ હાઇ-વે પર ૪૩ કિમી ફર્યા બાદ કોઇ જગ્યા અનુકુળ ન આવતા છેક પાંડેસરાના જીઆવ ગામની સરકારી જમીન પર લાશ  ફેંકી દીધી હતી.

(7:38 pm IST)