Gujarati News

Gujarati News

News of Sunday, 22nd April 2018

અદાવાદાદમાં સ્‍લમ વિસ્‍તારોના લોકોમાં ભારે નારાજગી : ઝુપડવાસીઓમાં સરકાર સામે ભારે આક્રોશ જોવા મળે છે : નવી મુશ્‍કેલી

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓને સ્લમ રિ-ડેવલપમેન્ટની સ્કીમોમાં ગરીબ ઝૂંપડાવાસીમાં નહીં પણ બિલ્ડરોના હીતમાં રસ છે એટલે મોટાભાગની સ્કીમોમાં વિવાદ ઉભો થઇ રહ્યો છે તે ઉકેલાઇ રહ્યો નથી. AMCના શાસકોની સ્થિતિ તો માત્ર આંગળી ઊંચી કરવા જેટલી રહી છે કેમ કે, સ્લમ રિ-ડેવલપમેન્ટની સ્કીમો મંજુર કરવામાં તો તેઓની મંજુરી લેવાતી નથી. તાજેતરમાં મળેલી સ્લમ રિહેબીલીટેશન કમિટીની બેઠકના એજન્ડામાં એવો સ્વીકાર કરવામાં આવ્યો છે કે, જુનાવાડજ રામદેવપીર ટેકરા, નારણપુરા સંજયનગર, અસારવા છનાજીના છાપરાં, પાલડીના શારદાનગર અને સ્ટેડિયમના ખુશાલનગરના ઝૂંપડાવાસીઓ સ્લમ રિ-ડેવલપમેન્ટની સ્કીમમાં જોડાવવા તૈયાર નથી.

અમદાવાદ મ્યુનિ.ના અધિકારીઓ બિલ્ડરના લાભાર્થે જે પ્રકારે સ્લમ રિ-ડેવલપમેન્ટની સ્કીમોનો આડેધડ અમલ કરી રહ્યાં છે તે જોતા અગામી દિવસોમાં ઝૂંપડાવાસીઓના મોટા આંદોલનના એંધાણ છે. હાલમાં વિવિધ સ્લમ વિસ્તારોમાં મીટીંગનો દોર ચાલી રહ્યો છે જેમાં જબરદસ્તી સરવે કરવા સામે, ખોટા લાભાર્થીઓના નામ ઘૂસાડવા સામે અને મકાનોની ફાળવણીમાં વિસંગતતા સામે રોષ જોવા મળી રહ્યો છે તેવા સંજોગોમાં મ્યુનિ.ના અધિકારીઓ યેનકેન પ્રકારે બિલ્ડરોને ફાયદો થાય તે માટે ઝૂંપડાવાસીઓને સમંત ન હોય છતાં વર્ક ઓર્ડર આપી રહ્યાં છે તેવા સંજોગોમાં મોટા આંદોલનના એંધાણ છે. સ્થાનિક ઝૂંપડાવાસીઓનો આક્ષેપ છે કે, લુખ્ખાઓ, માથાભારે તત્વો, હિસ્ટ્રી-શીટરોને ઝૂંપડાવાસીઓને રાજી કરવા માટે મેદાનમાં ઉતારાઇ રહ્યાં છે જેઓ સ્થાનિકોને ધમકાવી રહ્યાં છે.

શહેરમાં ચાલીઓ અને સ્લમ વિસ્તારોમાં ૩૪ ટકા વસ્તી વસવાટ કરે છે તે પૈકી મોટાભાગની જમીનો ખાનગી કે સરકારી પ્લોટ ઉપર છે જે પૈકીના પ્રાઇમ લોકેશનના પ્લોટની પસંદગી કરી રિ-ડેવલપમેન્ટની સ્કીમોને મંજુરી આપવામાં આવી રહી છે જ્યારે પ્રાયોરીટી લીસ્ટ જેવું કશું છે નહીં. બિલ્ડર આંગળી મૂકે તે સ્લમ રિ-ડેવલપમેન્ટનું મ્યુનિ.ના અધિકારીઓ નક્કી કરે છે જેમાં બિલ્ડર દ્વારા યેનકેન પ્રકારે સ્લમ રિ-ડેવલપમેન્ટમાં ગેરરીતિઓ આચરવામાં આવી રહી છે જેનો નમુનો છે કે, કેગ દ્વારા રૂ.૩૩૪ કરોડના વધુ ટીડીઆર ચૂકવાયા છે. વાસણામાં ડાનો પ્લોટ બારોબાર હજમ કરી જવાયો છે. આ સિવાય કરોડોના ગોટાળા કેગ દ્વારા ઉજાગર કરાયા છે પણ કેગ જેવી બંધારણીય સંસ્થા ખોટી છે જ્યારે મ્યુનિ.ના અધિકારીઓ સાચા છે તેવું મ્યુનિ.ના અધિકારીઓ કહે છે. જોકે, સ્લમ રિ-ડેવલપમેન્ટની સ્કીમોમાં ઊભો થઇ રહેલો જુવાળ મ્યુનિ. શાસકોને ભારે પડી શકે તેમ છે.

(5:43 pm IST)