Gujarati News

Gujarati News

News of Sunday, 22nd April 2018

એસટી નિગમના ૮ કર્મચારી સામે લાખોની ઠગાઈનો કેસ

એસટી ડેપોના મુખ્ય મેનેજરે ફરિયાદ નોંધાવી : માર્ચ-૨૦૧૫થી માર્ચ-૨૦૧૬ સુધીના હિસાબના નાણાં જમા નહી કરાવીને ૬.૮૮ લાખથી વધુની ઉચાપત કરાઈ

અમદાવાદ,તા. ૨૨ : શહેરના ગીતામંદિર એસટી બસ સ્ટેન્ડ ખાતેના મુખ્ય ડેપોમાં હિસાબના જમા કરાવવાના થતાં માર્ચ-૨૦૧૫થી માર્ચ-૨૦૧૬ સુધીના નાણાં જમા નહી કરાવી રૂ.૬.૮૮ લાખથી વધુની ગંભીર પ્રકારની છેતરપીંડી અને ઉચાપત આચરી હોવા અંગેની એક ગંભીર ફરિયાદ ખુદ એસટી નિગમના જ કેશીયર સહિતના આઠ કર્મચારીઓ વિરૂધ્ધ કાગડાપીઠ પોલીસ મથકમાં દાખલ થઇ છે. એસટી બસ સ્ટેન્ડ ખાતેના મુખ્ય ડેપોના મેનેજર ઇલિયાસ અબ્દુલ રહેમાન શેખ દ્વારા નોંધાવાયેલી ફરિયાદના આધારે કાગડાપીઠ પોલીસે સમગ્ર મામલામાં વધુ તપાસ હાથ ધરી છે. શહેરના સરખેજ રોડ પર જૂહાપુરા વિસ્તારમાં અંબર ટાવર પાસે સાગર એવન્યુ ખાતે રહેતાં એસટી સ્ટેન્ડ, મુખ્ય ડેપોના મેનેજર ઇલિયાસ અબ્દુલ રહેમાન શેખે જે કર્મચારીઓ વિરૂધ્ધ કાગડાપીઠ પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી છે, તેમાં રાપર ડેપોના રાકેશભાઇ રાવલ, કેશીયર સંજય રાવલ, કેશીયર તખતસિંહ કે.ડાભી, કેશીયર એ.ડી.ડિયા, ગાંધીનગર ડેપોના હરેશ એસ.ખત્રી, કેશીયર અશોક ટી.પટેલ, કેશીયર રમેશ ઝાલા અને શંકરભાઇ શામળભાઇ પટેલનો સમાવેશ થાય છે. ડેપો મેનેજરે ફરિયાદમાં જણાવ્યું છે કે, ગત સપ્ટેમ્બર-૨૦૧૫થી માર્ચ-૨૦૧૬ સુધીના સમયગાળા દરમ્યાન ઉપરોકત આરોપી કર્મચારીઓએ અમદાવાદ ડેપો કચેરી, એસટી ગીતા મંદિર ખાતે કંડકટરના હિસાબના નાણાં લઇને જમા કરાવવાના થતા હતા પરંતુ તે જમા નહી કરાવી કુલ રૂ.૬,૮૮,૦૨૮ની નાણાંકીય ઉચાપત કરી છે. સમગ્ર મામલામાં નબળુ સુપરવીઝન દાખવી કોમ્પ્યુટર ડીસીસી અને મેન્યુઅલ ડીસીસી હાજર કેશ સાથે સરખામણી નહી કરીને ગંભીર નિષ્કાળજી દાખવાઇ હોવાની વાત પણ સામે આવી હતી અને તેના આધારે રૂ.૬.૮૮લાખથી વધુની ઉચાપત આચરવામાં આવી હતી. કાગડાપીઠ પોલીસે ડેપો મેનેજરની ફરિયાદના આધારે એસટી નિગમના કેશીયર સહિતના આઠ કર્મચારીઓ સામે છેતરપીંડી અને ઉચાપતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

(7:37 pm IST)