Gujarati News

Gujarati News

News of Sunday, 22nd April 2018

નરોડા પાટિયા : આરોપીઓ આખરે જેલમાંથી મુકત થયા

વર્ષો બાદ જેલમુકિત ટાણે લાગણીસભર દ્રશ્યો : આરોપીઓ જેલમાંથી બહાર નીકળતાં જ કોઇકની પત્ની, કોઇકના સંતાનો તો કોઇકના સ્વજનો રડતાં ભેટી પડ્યા

અમદાવાદ,તા. ૨૨ : નરોડા પાટિયા કેસમાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા નિર્દોષ ઠરાવી છોડી મૂકાયેલા આરોપીઓ આજે સાબરમતી જેલમાંથી મુકત થયા હતા. વર્ષો બાદ જેલવાસમાંથી મુકત થયેલા પોતાના ઘરના સભ્યોને લેવા અને તેમની જેલમુકિતને વધાવવા તેમના પરિવારજનો, મિત્રવર્તુળ અને સ્વજન સહિતના લોકો સાબરમતી જેલ ખાતે ઉમટયા હતા. જેવા નરોડા પાટિયા કેસના આરોપીઓ ઔપચારિક પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ સાબરમતી જેલની કાળી કોટડીમાંથી મુકત થઇ બહાર આવ્યા કે, તેમને જોતાંની સાથે જ કોઇકની પત્ની, કોઇકના સંતાનો તો કોઇકના સ્વજનો ચોધાર આંસુએ રડતાં રડતાં તેમને રીતસરના ભેટી પડયા હતા એ સમયે સાબરમતી જેલ ખાતે એક તબક્કે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. જેલમુકિત બાદ છૂટીને આવેલા આરોપીઓએ પ્રતિક્રિયા આપી હતી કે, આટલા વર્ષો જેલમાં રહેવાના કારણે તેમના પરિવારો બરબાદ થઇ ગયા છે પરંતુ તેમને ન્યાયતંત્ર પર વિશ્વાસ હતો. આખરે તેમને ન્યાય મળ્યો છે, જેલમુકિતનો તેમને બહુ આનંદ છે. ગુજરાત હાઇકોર્ટ દ્વારા બે દિવસ પહેલાં જ નરોડા પાટિયા કેસમાં બહુ મહત્વનો અને સીમાચિહ્નરૂપ ચુકાદો જાહેર કરી ડો.માયાબહેન કોડનાની, તેમના પીએ કિરપાલસિંહ સહિતના આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મૂકવા હુકમ કર્યો હતો. કેટલાક આરોપીઓ તો પહેલેથી જ જામીન પર મુકત હતા પરંતુ જે આરોપીએ છેલ્લા કેટલાક વર્ષોથી જેલવાસ ભોગવી રહ્યા હતા તેમની મુક્તિ માટે હાઇકોર્ટનો ચુકાદો સ્વર્ગના સુખ સમાન હતો. હાઇકોર્ટના ચુકાદા બાદ સેશન્સ કોર્ટમાં જરૂરી પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ આજે આરોપીઓની મુકિતનો માર્ગ ખુલ્યો હતો. જેને પગલે વહેલી સવારથી જ તેમના પરિવારજનો, સ્વજનો અને મિત્રવર્તુળના લોકો સાબરમતી જેલ ખાતે પહોંચી ગયા હતા. જેલમાં ઔપચારિક પ્રક્રિયા પૂરી કરી આરોપીઓ જેવા જેલની બહાર નીકળ્યા કે, તરત જ તેમના પરિવારજનો, સ્વજનો અને મિત્રવર્તુળના લોકો તેમને જોતાંની સાથે જ દોડીને રીતસરના ભેટી પડયા હતા. આટલા વર્ષોનો વિયોગ અને તેની વેદના આ મિલનમાં સ્પષ્ટ નજરે પડતી હતી. એકબાજુ, કોઇકની પત્ની, કોઇકના સંતાનો  અને કોઇકના સ્વજનોની આંખમાં આંસુ હતા, તો છૂટીને આવેલા આરોપીઓની આંખો પણ ભીની થઇ ગઇ હતી. આ સમયે સાબરમતી જેલ ખાતે લાગણીસભર દ્રશ્યો જોવા મળ્યા હતા. દરમ્યાન જેલમુકિત બાદ છૂટીને આવેલા આરોપીઓએ પોતાની પ્રતિક્રિયામાં જણાવ્યું હતું કે, આટલા વર્ષો સુધી જેલવાસ ભોગવવાના લીધે તેમના પરિવારો આર્થિક બરબાદી સહિતની અનેક વેદનાઓમાં ખલાસ થઇ ગયા છે પરંતુ ન્યાયતંત્ર પર અમને વિશ્વાસ હતો, છેવટે અમને ન્યાય મળ્યો અને અમે નિર્દોષ જાહેર થયા તેનો સંતોષ છે.

(9:21 pm IST)