Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

હર્ષોલ્લાસ સાથે પ્રજાજનોએ હોળી-ધૂળેટીની ઉજવણી કરી

રંગબેરંગી રંગોમાં લોકો રંગાયેલા નજરે પડ્યા : રેઇન ડાન્સ, ડીજેના તાલે ઝુમી યુવા હૈયાઓએ ધૂળેટીની બિન્દાસ્ત તેમજ મસ્તીથી ઉજવણી : મંદિરોમાં રંગોત્સવ

અમદાવાદ,તા. ૨૨ : અમદાવાદ શહેર સહિત રાજયભરમાં પ્રજાજનોએ ખાસ કરીને યંગસ્ટર્સે હોળી-ધૂળેટીના પર્વની ભારે હર્ષોલ્લાસ અને મોજમસ્તી અને ધમાચકડી સાથે ઉજવણી કરી હતી. આ વખતે પાણી બચાવવાના અને ઇકો ફ્રેન્ડલીના અનોખા કન્સેપ્ટ સાથે હોળી-ધૂળેટીના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત સહિતના શહેરોમાં તો યંગસ્ટર્સે હોળીની જોરદાર અને ધમાકેદાર ઉજવણી કરી હતી. અમદાવાદમાં સ્પેનની થીમ પર આધારિત હોળી, ગોબરની હોળી અને રંગોની હોળી ઉજવાઇ હતી તો, રાજકોટ, સુરત અને વડોદરામાં ટોમેટો, કાદવ-કીચ્ચડ અને હોળીની રાખથી હોળીની અનોખી ઉજવણી કરાઇ હતી. ધૂળેટીના તહેવાર દરમ્યાન યંગસ્ટર્સ યુવક-યુવતીઓ રેઇન ડાન્સ અને ડીજેના તાલે ઝુમી મસ્તીમાં રંગોના રંગમાં રંગાયેલા જોવા મળતા હતા. હોળી-ધૂળેટીના તહેવારની હર્ષોલ્લાસ અને મસ્તીભરી ઉજવણી સાથે વેરભાવ ભૂલી પ્રેમ-શાંતિ અપનાવી ખુશીઓથી જીવન મહેકતું કરવાનો અનોખો સંદેશો પણ ફેલાવાયો હતો. બીજીબાજુ, ડાકોર, દ્વારકા, શામળાજી, અંબાજી સહિતના મંદિરોમાં હોળી-ધૂળેટીના પર્વનો રંગોત્સવ જોરદાર રીતે છવાયો હતો. ગઇકાલે ધૂળેટીના તહેવારને લઇ શહેરના સુપ્રસિધ્ધ જગન્નાથજી મંદિર, સોલા ભાગવત વિદ્યાપીઠ રસરાજમંદિર, ભાડજ સ્થિત રાધામાધવ મંદિર, ઇસ્કોન મંદિર સહિતના મંદિરોમાં ધૂળેટીના પર્વની રંગબેરંગી અને ભકિતસભર ઉજવણી કરવામાં આવી હતી. જમાલપુર સ્થિત જગન્નાથજી મંદિરમાં ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામના વિશેષ સાજ-શણગાર કરવામાં આવ્યા હતા અને રંગોત્સવ પર્વ મનાવાયું હતુ તો, ભાડજ સ્થિત રાધામાધવ મંદિરમાં ગૌરપૂર્ણિમાનો સુંદર રંગોત્સવ ઉજવાયો હતો. તો ડાકોર, દ્વારકા, શામળાજી, અંબાજી સહિતના યાત્રાધામોમાં પણ શ્રધ્ધાળુ ભકતોએ દર્શન કરી ભારે ધન્યતા અનુભવી હતી. દ્વારકામાં ફુલડોલ ઉત્સવમાં લાખો ભકતો રંગોના રસમાં ઝુમ્યા હતા. ધૂળેટીના પર્વને લઇ રાજયભરના તમામ મંદિરોમાં દેવી-દેવતાઓના વિશેષ સાજ-શણગાર અને રંગેબરંગી રંગોથી છવાયેલા આકર્ષણો જમાવવામાં આવ્યા હતા. જેને લઇ ભકતો પણ ભકિતના રંગમાં રંગાયા હતા. હોળી-ધૂળેટીના તહેવારને લઇ રાજયભરમાં પ્રજાજનોમાં ઘણો સારો ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો.

 હોળીના પર્વ નિમિતે હોલિકાદહન અને ધાર્મિક આસ્થાની પરિપૂર્તિ બાદ ગઇકાલે ધૂળેટીના દિવસે અમદાવાદ શહેર સહિત રાજયભરમાં રંગબેરંગી રંગોનો માહોલ છવાયો હતો. અમદાવાદમાં કલબોમાં આ વખતે પાણી બચાવોના સંદેશા સાથે અનોખી રીતે હોળી ઉજવાઇ હતી, તો એસજી હાઇવે પર સ્પેનની થીમ પર આધારિત ટોમેટો હોળી અને શાંતિપુરા ચોકડી પાસે બંસી ગૌશાળા ખાતે ગોબર હોળીનું અનોખુ આયોજન કરવામાં આવ્યું હતું. જયાં ટામેટાના રંગમાં યંગસ્ટર્સ રંગાયા હતા, તો ગોબર હોળીમાં ગાયના છાણ, લીમડાના પાણી અને હોળીની રાખના મિશ્રણથી હોળી રમવામાં આવી હતી અને આર્યુવેદિક દ્રષ્ટિએ શરીર માટે સ્વાસ્થ્યપ્રદ હોળી ખેલવામાં આવી હતી. તો, રાજકોટ અને સુરતમાં લોકો કાદવ-કીચ્ચડમાં આળોટીને અને એકબીજાને કાદવ લગાડીને હોળીની મોજમસ્તી માણી હતી,  વડોદરા પણ ધૂળેટીના તહેવારને લઇ રંગબેરંગી રંગમાં રંગાયુ હતું. વળી, વલ્લભ વિદ્યાનગર ખાતે કેટલાક યુવકોએ ગાયના છાણ અને માટીથી એક કુંડ બનાવી તેમાં કાદવ-કીચ્ચડ અને હોળીની રાખવાળુ પાણી મિશ્રિત કરી તેમાં એકબીજાને નાંખી, આળોટી અને એકમેકને ગાલ પર કાદવ લગાવી હોળીની અનોખી ઉજવણી કરી હતી અને પાણી બચાવો સાથે આરોગ્યપ્રદ સંદેશો આપ્યો હતો. ધૂળેટીના પર્વને લઇ અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા સહિતના શહેરોમાં કલબો, વોટર પાર્ક સહિતના સ્થળોએ રેઇન ડાન્સની મસ્તી, ડીજેના તાલ, મડ મસ્તી, રંગોની હોળી સહિતની અનોખી ઉજવણી સાથે યંગસ્ટર્સ રંગોના તહેવારમાં જાણે ખોવાયા હતા. સૌકોઇના ચહેરા રંગબેરંગી રંગો, કાદવ, ગોબર સહિતની નીતનવી ચીજવસ્તુઓથી રંગાયેલા નજરે પડતા હતા. રંગોની હોળીની સાથે સાથે કેટલાક ધાર્મિક સ્થાનો સહિતના સ્થળોએ ફુલો અને ફુલોની પાંખડીઓથી ઇકો ફ્રેન્ડલીની સુંદર ઉજવણી કરવામાં આવી હતી. ભારે હર્ષોલ્લાસ અને ઉત્સાહ સાથે હોળી-ધૂળેટીનું પર્વ ઉજવી લોકોએ પ્રેમ અને ખુશીનો સંદેશો ફેલાવ્યો હતો.

(9:33 pm IST)