Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

પદ્મશ્રીથી નવાજાયેલા ગુજરાતી આર્ટિસ્ટ હકુ શાહનું લાંબી માંદગી બાદ નિધન

હકુભાઈ વજુભાઈ શાહનો જન્મ ૧૯૩૪માં સુરત જિલ્લાના વાલોડમાં થયો હતો

અમદાવાદ, તા.૨૨: જનજાતીય અને લોકકલાના વિષય પર પોતાની ચિત્રકારી માટે પ્રસિદ્ઘ ભારતીય કલાકાર હકુ શાહનું બુધવારે અમદાવાદમાં નિધન થયું છે. ૮૫ વર્ષીય શાહનુ હાર્ટ એટેકથી મોત થયું છે. શાહના ફોટોગ્રાર પુત્ર પાર્થિવે મીડિયાને જણાવ્યું કે, તેઓ લાંબા સમયથી બીમાર હતા, અને એક સપ્તાહથી હોસ્પિટલમાં દાખલ હતા. બુધવારે ઘરે બપોરે લગભગ ૨ વાગીને ૩૦ મિનીટ પર તેમને હાર્ટ એટેક આવ્યો હતો. તેમને ૧૯૮૯માં પદ્મશ્રી પુરસ્કાર સહિત અનેક પુરસ્કારો મળ્યા છે.

હકુભાઈ વજુભાઈ શાહનો જન્મ ૧૯૩૪માં સુરત જિલ્લાના વાલોડમાં થયો હતો. તેઓ વડોદરાની મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીની ફાઈન આર્ટ્સ ફેકલ્ટીમાંથી ૧૯૫૫માં સ્નાતક અને ત્યારબાદ અનુસ્નાતક થયા હતા. તેમણે પોતાની માસ્ટર ડિગ્રી જાણીતા આર્ટિસ્ટ કે.જી.સુબ્રમણ્યમના અંડર કરી હતી. તેમણે ૧૯૬૫માં જહોન ડી રોકફેલર ફેલોશિપ પ્રાપ્ત કરી હતી. તેમજ ૧૯૭૧માં નેહરુ ફેલોશિપ પણ મેળવી હતી. વર્ષો સુધી તેમણે ગ્રામ્યજીવન તેમજ આદિવાસી કલા, સંસ્કૃતિ અને લોક માન્યતા પ્રત્યે ઊંડો અભ્યાસ તેમજ સંશોધન કાર્ય કર્યું અને તેના દસ્તાવેજીકરણ કરવામાં પણ મહત્વનો ફાળો છે.

તેઓ ટ્રાઈબલ અને ફોક આર્ટ માટે પ્રખ્યાત હતા. તેમજ તેમણે ભકિત મુવમેન્ટ પર પણ આર્ટ કર્યું છે. તેઓ કલ્ચરલ માનવશાસ્ત્રી પણ હતા. તેઓ હકુભાઈ તરીકે પ્રખ્યાત છે. જેઓએ ૧૯૮૦થી દાયકામાં રાજસ્થાનના ઉદયપુરમાં શિલ્પ ગ્રામની સ્થાપના કરી હતી. ૨૦૦૯માં 'માનુષ' નામના પોતાના સંસ્કરણને પ્રકાશિત કરનાર શાહને કલામાં યોગદાન માટે ૧૯૮૯માં પદ્મશ્રી, જવાહરલાલ નહેરુ ફેલોશિપ તથા કલા રત્ન સહિત અનેક પુરસ્કાર મળ્યા હતા.

(4:33 pm IST)