Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

સુપ્રિમ કોર્ટના ચુકાદા સુધી સંચાલકો ફી વસુલી શકશે

સુપ્રિમમાં એપ્રિલ મહિનામાં મામલામાં સુનાવણી: શિક્ષણનું વેપારીકરણ કરાઈ રહ્યું હોવાનો કોંગ્રેસનો સીધો આક્ષેપ ઃ ચુડાસમાના નિવેદનથી વિદ્યાર્થીઓ ભારે નારાજ

અમદાવાદ,તા. ૨૨ : ગુજરાતમાં ખાનગી સ્કુલો દ્વારા લેવામાં આવતી ફીને લઈને વિવાદનો ઉકેલ હજુ આવ્યો નથી ત્યારે ગુજરાતના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ એવી વાત કરીને ચર્ચા જગાવી છે કે જ્યાં સુધી સુપ્રિમ કોર્ટમાં ફીના મામલામાં કોઈ ચુકાદો ન આવે ત્યાં સુધી સ્કુલ ફી લઈ શકશે અને વાલીઓને સ્કુલ દ્વારા નક્કી કરવામાં આવતી ફી ચુકવવી પડશે. ચુડાસમાની આ બાબતને લઈને કોંગ્રેસ પાર્ટી તરફથી જોરદાર નારાજગી વ્યક્ત કરવામાં આવી છે. કોંગ્રેસે કહ્યું છે કે સંચાલકોને ફીને લઈને લૂંટ ચલાવવાની તક આપી દેવામાં આવી છે.

બીજી બાજુ આ મામલામાં સુપ્રિમ કોર્ટમાં ત્રીજી અને ચોથી એપ્રિલના દિવસે સુનાવણી હાથ ધરવામાં આવનાર છે. જેના સંદર્ભમાં તમામની નજર કેન્દ્રિત થઈ ગઈ છે. ચુડાસમાના કહેવા મુજબ ૮૬૦ થી વધુ દરખાસ્તો ફી મુદ્દો આવી ચુકી છે. થોડાક સમય પહેલા ગુજરાત હાઈકોર્ટે ફી રેગ્યુલેટ કરવા રાજ્ય સરકાર દ્વારા ઘડી કાઢવામાં આવેલા કાયદાને માન્ય ગણીને મોટો ચુકાદો આપ્યો હતો. આ સંદર્ભમાં કાયદાને પડકરા ફેંકીને ખાનગી સ્કુલો દ્વારા દાખલ કરવામાં આવેલી ડઝન જેટલી અરજીઓને ફગાવી દેવામાં આવી હતી. કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ કહ્યું છે કે સરકાર શિક્ષણનું વેપારીકરણ કરી રહી છે. સરકારની નીતિઓથી વિદ્યાર્થીઓ ભ્રમિત થઈ રહ્યા છે. ખાનગી સ્કુલોમાં લેવામાં આવતી ફીને લઈને સરકાર દ્વારા કાયદો લાવવામાં આવ્યો છે. કોર્ટે આદેશને પાળવા તમામ સ્કુલોને સૂચના આપી હતી. આજે ચુડાસમાએ કહ્યું હતું કે જ્યાં સુધી સુપ્રિમ કોર્ટ દ્વારા ફીના મામલે કોઈ નિર્ણય લેવામાં ન આવે ત્યાં સુધી સ્કુલ સંચાલકો અથવા તો સ્કુલ ફી લઈ શકશે. કોંગ્રેસ તરફથી આની સામે વાંધો ઉઠાવવામાં આવ્યો છે.

(10:20 pm IST)