Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

વાયબ્રન્ટ સમીટના કારણે ગુજરાતમાં રોકાણ માટે નવું બળ મળ્યુંઃ અમારી સ્‍પર્ધા હવે વિશ્વના દેશો સાથે છેઃ ‌વિજયભાઇ રૂપાણી

ગાંધીનગર: મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની આજે નેશનલ ડિફેન્‍સ કોલેજના ગુજરાતનો અભ્‍યાસ પ્રવાસ કરી રહેલા સુરક્ષા સેનાઓના ૧૨ વરિષ્‍ઠ અધિકારીઓએ સૌજન્‍ય મૂલાકાત લઇને ગુજરાતના ગુડ ગવર્નન્‍સ સર્વગ્રાહી વિકાસ તથા પારદર્શી પ્રશાસનની સિધ્ધિઓ વિષય ઉપર રસપ્રદ પ્રશ્નોતરી કરી હતી.  આ ડેલિગેશનમાં ભારતીય સેનાની જલ-વાયુ-થલ સેના તથા અર્ધલશ્કરી દળોના આલા અફસરો સાથે ઇઝરાયલ, યુગાન્ડા, શ્રીલંકા અને જાપાનના અફસરો પણ જોડાયા હતા. આ અફસરો નેશનલ સિકયુરિટી કોર્સ તહત ઇકોનોમીક સિકયુરિટીના અભ્યાસ પ્રવાસ અંતર્ગત રાજ્યની મુલાકાતે આવેલા છે. ગુજરાતના વિકાસ અને સુશાસનની સફળતાના માધ્‍યમ સાથે ભારતની આગવી આબરૂ અને ઓળખ ઉભી થઇ છે અને દેશની જનતામાં પણ પરિસ્‍થિતિ બદલી છે એવો વિશ્વાસ નરેન્દ્રભાઇના નેતૃત્વમાં જાગ્‍યો છે, તેમ મુખ્યમંત્રીએ ગુજરાતના વિકાસ મોડલની ભૂમિકા આપતા જણાવ્યું હતું.

વિજયભાઇ રૂપાણીએ ગુજરાત વાયબ્રન્ટ ઇન્વેસ્ટમેન્ટ સમિટની સફળતાને પગલે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ માટેનું ડેસ્ટીનેશન બની ગયું છે તેની વિશેષતાઓ આપતાં કહ્યું કે, ગુજરાતીઓ મૂળત: વેપારી પ્રજાના જે ગુણો ધરાવે છે તેને વાયબ્રન્ટ સમિટમાં આવતા રોકાણો નવું બળ પુરૂં પાડે છે. તેમણે કહ્યું કે, ગુજરાત આના પરિણામે ગ્લોબલી શાઇન થયું છે અને અમારી સ્પર્ધા હવે વિશ્વના દેશો સાથે છે. મુખ્યમંત્રીએ ગુજરાતી યુવાનો આર્મી-લશ્કરમાં મોટા પાયે જોડાવા પ્રેરિત થાય તે માટે રાજ્યમાં સૈનિક સ્કૂલ શરૂ કરી છે તેની ભૂમિકા આપતાં ઉમેર્યું કે, ગુજરાતમાં એરફોર્સ, નેવી, આર્મી ત્રણેય સેનાઓના મથકો છે ત્યારે લશ્કરમાં ભરતી મેળા માટે પણ તેમનો સહયોગ-પ્રોત્સાહન મળે છે.

વિજયભાઇ રૂપાણીએ ગુજરાતમાં વિશ્વકક્ષાની ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટી, પી.ડી.પી.યુ., યોગા અને સ્પોર્ટસ યુનિવર્સિટી જેવી આધુનિક અભ્યાસ યુનિવર્સિટીઓ સાથે યુવાશકિતના સર્વગ્રાહી વિકાસ પર અને ખાસ કરીને હેલ્થ, એજ્યુકેશન સેકટર પર સરકારે ફોકસ કર્યુ છે તેની પણ વિશદ છણાવટ કરી હતી. મુખ્યમંત્રી સાથે રાજ્યના વિકાસ મોડેલની પ્રસંશા કરતા સેનાના અધિકારીઓએ રસપ્રદ પ્રશ્નોત્તરી કરી હતી.

તેમણે ગુજરાતમાં સુશાસન, મહિલા સુરક્ષા અને સશકિતકરણ, વિશ્વમાં વસતા ગુજરાતી પરિવારો સાથે રાજ્ય સરકારનું તાદાત્મ્ય, જાહેર સાહસોની નફાકારકતા અંગે જાણવામાં ઉત્સુકતા દર્શાવી હતી. મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં કહ્યું કે, ગુજરાત પોલિસી ડ્રીવન સ્ટેટ છે અને ડિફેન્સ પ્રોડકશન, એરોસ્પેસ સહિતની રર પોલિસી તથા મિનીમમ ગર્વમેન્ટ મેકઝીમમ ગર્વનન્સથી ઇન્સ્ટીયુશન લાઇઝડ ગર્વનન્સનું મોડેલ ગુજરાતે દેશને આપ્યું છે.

તેમણે ગીફટ સિટી જેવા વૈશ્વિક વેપાર વણજ કોમર્શીયલ એકટીવીટીના સેન્ટર ઓફ એકસલન્સની વિગતો આપતાં લશ્કરી અધિકારીઓને જણાવ્યું કે આગામી દાયકામાં ગુજરાત વર્લ્ડ ટ્રેડનું દુબઇ સમકક્ષ એક આગવું કેન્દ્ર બનશે.આ અધિકારીઓએ દાંડી કુટીર, રિવર ફ્રન્ટ, સહિતના સ્થળોની તેમની મૂલાકાત વિકાસના નવા પરિમાણોની અનુભૂતિ સમાન રહી છે તેવો પણ સ્પષ્ટ મત દર્શાવ્યો હતો. ડેલિગેશનના લીડર અભય ત્રિપાઠીએ મુલાકાતનો હેતુ સ્પષ્ટ કર્યો હતો. 

(7:46 pm IST)