Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

સુરતમાં સીપીના જાહેરનામાના લીરેલીરા ઉડયા : વધુ એક યુવકે રસ્તા પર તલવારથી કેક કાપી

તમામ યુવકો કેક કાપ્યા પછી મોડી રાત્રે DJના તાલે જુમ્યા પણ હતા

રસ્તા પર જન્મદિવસની ઉજવણીને લઇને બહાર પાડવામાં આવેલા સુરત પોલીસ કમિશનરના જાહેરનામાંના લોરેલીરા ઉડી રહ્યા છે. આ જાહેરનામું બહાર પડ્યા પછી અવાર-નવાર યુવકો રસ્તા પર તલવારથી કેક કાપતા અને પાર્ટી કરતા નજરે ચઢે છે. માત્ર યુવકો જ નહીં પરંતુ પોલીસકર્મીઓના પણ જાહેરમાં કેક કાપી હોવાના કિસ્સાઓ સુરતમાં પ્રકાશમાં આવ્યા છે. ત્યારે સુરતના વધુ એક યુવકનો તલવારથી કેક કાપતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે

 રિપોર્ટ અનુસાર યુવકનો તલવારથી કેક કાપતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે તે વીડિયો ઉધના અથવા તો લીંબાયત વિસ્તારનો હોવાનું માનવામાં આવી રહ્યું છે. રાહુલ નામના એક વ્યક્તિએ પોતાના ફેસબૂક અકાઉન્ટ પર આ વીડિયો શેર કરતા મામલો સામે આવ્યો હતો. વીડિયોમાં સ્પષ્ટ પણે દેખાઈ રહ્યું છે કે, એક યુવક જાહેર રસ્તા પર હાથમાં રહેલી તલવાર વડે કેક કાપી રહ્યો છે અને તેની બાજુમાં ઉભા રહેલા કેટલાક યુવકો તેને જન્મદિનની શુભકામનાઓ આપી રહ્યા છે. તમામ યુવકો કેક કાપ્યા પછી મોડી રાત્રે DJના તાલે જુમ્યા પણ હતા. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો આ વીડિયો શિવાજી જયંતીની રાત્રીની હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, 12 નવેમ્બરના રોજ માધવ નામના એક યુવકે તેના જન્મદિન નિમિત્તે તેના ઘરની બહાર મિત્રોની સાથે કેક બાઈક પર મૂકીને તલવાર વડે કેક કાપી હતી. તલવારથી કેક કાપવા બદલ લીંબાયત પોલીસે કેક કાપી રહેતા યુવક અને તેના મિત્રોની સામે જાહેરનામાં ભંગનો ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરી હતી.

(9:56 pm IST)