Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

જુના ડીસામાં પોલીસની ઓળખ આપી મહિલાનું અપહરણ કરી લૂંટ ચલાવનાર ઠગને પોલીસે ઝડપી પાડ્યા

રાધનપુર:જુના ડીસા ખાતે રહેતી મહિલા થરાદ તાલુકાના ચાંગડા ખાતે રહેતી બેનને મળવા આવી હતી. ત્યારે નકલી પોલીસ બનીને ખાનગી કાર લઈને આવેલ બે મહિલા અને પાંચ પુરુષોએ મહિલાનું કારમાં અપહરણ કરીને આખી રાત ફેરવી સવારે રાધનપુર ખાતે આવેલ ઓફીસમાં ગોંધી રાખી મહિલાના પતી પાસેથી રુપિયાનો તોડ કરનાર ટોળકીને રાધનપુર પોલીસે ઝડપી પાડી હતી. ટોળકીમાં સામેલ બે મહિલા અને પાચ પુરુષોની અટકાયત કરી છે. તેમજ ટોળકીને મહેસાણાબનાસકાંઠા તેમજ પાટણના બિલ્ડરો પાસે થી રૃપિયા પડાવ્યા હોવાની વિગતો બહાર આવી છે.

પ્રાપ્ત માહિતીઅનુસાર જુના ડીસા ખાતે રહેતી મહિલા ચારેક માસ અગાઉ પોતાની બહેનને મળવા થરાદ તાલુકાના ચાગડા ગામે ગઈ હતી. ત્યારે રાત્રીના નવેક વાગ્યે બે સફેદ કલરની ગાડીઓ આવી હતી. જેમાં એક અર્ટીકા અને એક આઈ-૧૦ ગાડી હતી. બન્ને ગાડીમાંથી પાંચ ઈસમો પેન્ટ શર્ટ પહેરેલા તેમજ બે મહિલાઓ નીચે ઉતરી હતી. અને મહિલાને તેના પતિ વિશે પુછપરછ કરી હતી. મહિલાએ પતિનુ શું કામ છે તેમ પુછતા ગાડીમાં આવેલ મહિલાએ જણાવ્યું હતું કે હું ક્રાઈમ ગાંધીનગરથી આવું છું અને તારા પતિનો ધંધો મહિલાઓને ઉપાડીને બીજે લગ્ન કરાવવાનો છે તારા અને તારા પતિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ થયાનું જણાવી ગાડીમાં આવેલ મહિલાએ પોતાની ઓળખ પોલીસ તરીકે આપીને સાથે આવેલ મોશીન નામના ઈસમને જણાવેલ કે આને ઉપાડીને ગાડીમાં નાંખો અને મહિલાને બળજબરી પૂર્વક ગાડીમાં નાખી અપહરણ કરીને લઈ જવામાં આવી હતી. અપહરણ કર્તાઓએ મહિલાના પતિને ફોન કરીને રૃપિયા પચાસ હજારની માંગ કરી હતી. અને મહિલાને આખી રાત ગાડીમાં ફેરવીને રાધનપુર ખાતે આવેલ એક ઓફીસમાં મહિલાને ગોંધી રાખી હતી. અને તેના પતિને રાધનપુર ખાતે બોલાવીને દાગીના વેચાવીને રૃપિયા ૩૦,૦૦૦ તથા મહિલાનો મોબાઈલ મળી કુલ ૩૫ હજારનો તોડ કરીને મહિલાને છોડવામાં આવી હતી.

(5:14 pm IST)