Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રવાસ : અમદાવાદમાં મિનિટમાં ૫૦ લાખનો ખર્ચ

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની શાહી મુલાકાતને યાદગાર બનાવાશે

અમદાવાદ,તા. ૨૨ : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના પત્ની મેલેનિયા અને નરેન્દ્ર મોદીની અમદાવાદની મુલાકાતને લઈને શહેરમાં છેલ્લા એક મહિનાથી તૈયારીઓ ચાલી રહી છે. ટ્રમ્પ અને તેમની પત્ની મેલેનિયાના સ્વાગતથી લઈને રોડ શો માટે ભરપૂર ખર્ચ કરવામાં આવ્યો છે. ટ્રમ્પની અમદાવાદની સાડા ત્રણ કલાકની મુલાકાત પાછળ અંદાજે રૂ.૧૦૦ કરોડથી વધુ રૂપિયાનો ખર્ચ થયો છે. સાડા ત્રણ કલાક અને રૂ. ૧૦૦ કરોડથી વધુના ખર્ચ હિસાબે ટ્રમ્પની એક મિનિટ તંત્રને અંદાજે રૂ.૫૦ લાખમાં પડી છે. આ ખર્ચમાં સ્ટેડિયમના બ્યુડિફિકેશનના કામથી લઈ રોડ, પોલીસ કર્મીઓ તેમજ સુરક્ષા સહિતનો સામેલ છે. આ ખર્ચો આમ જોવા જઇએ તો, સાામન્ય માણસના ખિસ્સામાંથી જ વસૂલવામાં આવશે ને..ટેક્સ સહિતના કોઇપણ બહાના હેઠળ તંત્ર નાગરિકો પાસેથી આ ખર્ચો ખંખેરી લેવામાં આવશે.

         ટૂંકમાં, ટ્રમ્પની મુલાકાતના ખર્ચાનો ભાર અમદાવાદીઓના માથે જ છે તેવી પણ જાગૃત નાગરિકોમાં જોરશોરથી ચર્ચા હવે ઉઠી છે. અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને પત્ની મેલેનિયા સાડા ત્રણ કલાક માટે અમદાવાદના મહેમાન બનાવાના છે. ત્યારે તેમના આગમન પહેલા જ સ્ટેડિયમ સહિતના વિસ્તારોમાં પોલીસ સુરક્ષા તૈનાત કરી દેવામાં આવી છે. અંદાજે ૩૦ હજાર પોલીસ કર્મીઓનો ચુસ્ત બંદોબસ્ત ગોઠાવાઈ દેવાયો છે. અમદાવાદ મ્યુનિસિપલે સ્ટેડિયમની આસપાસના રોડના રિસરફેસિંગ પાછળ ૬૦ કરોડની આસપાસનો ખર્ચ કર્યો છે. આ સિવાય ઔડા દ્વારા પણ રોડ તેમજ ફૂટપાટ સહિત માટે ૨૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. ઉપરાંત સ્ટેડિયમમાં આવનાર આમંત્રિત મહેમાનોના ટ્રાન્સપોર્ટેશન સહિત માટે ૧૦ કરોડ અને અન્ય કાર્યક્રમો માટે ૪ કરોડ રૂપિયાની આસપાસનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. ટ્રમ્પની મુલાકાત પાછળ રૂ.૧૦૦ કરોડના ખર્ચનો સત્તાવાર આંક ચર્ચાઇ રહ્યો છે પરંતુ બિનસત્તાવાર આંક તો આનાથી પાંચથી સાત ગણો વધુ હોવાનું ચર્ચાઇ રહ્યું છે. ટ્રમ્પની મુલાકાતના ખર્ચને લઇને પણ હવે ગંભીર વિવાદ અને સવાલો ઉઠી રહ્યા છે.

(8:43 pm IST)