Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

આતંકવાદીઓ વેશપલ્ટા કરશે તો પણ ફેસ રેકોગ્નાઇઝ મશીન ઓળખી કાઢશે

બોર્ડર સિકયુરીટી ફોર્સના વડા જી.એસ.મલ્લિકના માર્ગદર્શન હેઠળ બીએસએફના ચુનંદા જવાનોની ચહલ-પહલથી લશ્કરી છાવણી જેવા દ્રશ્યો સર્જાયા છેઃ કંટ્રોલરૂમ બીપ-બીપની ચીચીયારીઓથી ગુંજી ઉઠશેઃ નેશનલ ક્રાઇમ રેકોર્ડ, સીઆઇબી, રો અને સીબીઆઇના રેકર્ડમાંથી મળેલી તસ્વીરોનો ડેટા તૈયારઃ ટ્રમ્પના રોડ શોનું સેટેલાઇટથી નિરીક્ષણઃ ફલાઇટો યથાવત, ડ્રોન નહિ ઉડી શકેઃ મોબાઇલો જામ થઇ જશે

રાજકોટ, તા., ૨૨: દુનિયાના સૌથી શકિતશાળી દેશ એવા અમેરીકન રાષ્ટ્રપ્રમુખની મુલાકાત સંદર્ભે ગોઠવાયેલ અભેદ્ય સુરક્ષા ચક્ર અંગેના ૩ દિવસના રિહર્સલના કાર્યક્રમમાં અમદાવાદમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓના  સુપરવીઝન હેઠળ મેગા રિહર્સલનો પ્રારંભ થયો છે. જેમાં પોલીસના અધધ જવાનોનું દળ અને અર્ધલશ્કરી દળના જવાનો પણ સામેલ થતા જ રસ્તા પર કોઇ મિલટ્રી માર્ચ જેવા દ્રશ્યો  સર્જાયા છે.

દરમિયાન ઉચ્ચ પોલીસ વર્તુળોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ રોડ શોમાં કોઇ અસામાજીક તત્વો કે ઉગ્રવાદીઓ ઘુસી ન જાય તે માટે 'ફેસરેકોગ્નાઇઝ' મશીનો ગોઠવવામાં આવશે. નેશનલ ક્રાઇમ રેકર્ડ બ્યુરો તથા સેન્ટ્રલ આઇબી-સીબીઆઇ અને  રો દ્વારા મળેલા ફોટાઓ કે જે આ ખાસ મશીનમાં કેદ છે તેવા કોઇ પણ શખ્સો રોડ શો દરમિયાન શંકાસ્પદ રીતે ઘુસવાનો પ્રયત્ન કરશે તો કંટ્રોલરૂમમાં રહેલા મશીનોની બીપ-બીપ એવી ચીચીયારીઓથી કંટ્રોલરૂમ ગુંજી ઉઠશે.

બીએસએફના ગુજરાતના વડા જી.એસ.મલ્લિકના માર્ગદર્શન હેઠળ  અમદાવાદમાં પણ બીએસએફના જવાનો સરહદ માફક પેટ્રોલીંગ કરી રહયા હોય અમદાવાદમાં લશ્કરી છાવણી સમા જયાં  દ્રશ્યો સર્જાયા છે તેવા અમેરીકન પ્રેસીડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ માટે અભેદ્ય કિલ્લા જેવી ગોઠવાયેલી સુરક્ષા વ્યવસ્થા સાથેના ટ્રમ્પનો કાફલો રોડ શો વખતે વિવિધ માર્ગો ઉપર પસાર થશે ત્યારે કાફલા પર સેટેલાઇટ દ્વારા નજર રાખવામાં આવશે.

ગાંધીનગર, અમદાવાદ  પોલીસ કમિશ્નર ઓફીસ, દિલ્હી અને વોશીંગ્ટનમાં કંટ્રોલરૂમથી અમેરીકન પ્રમુખની સુરક્ષાનું સતત નિરિક્ષણ કરવામાં આવશે. ભારતીય વાયુ સેનાના  હેલીકોપ્ટરોની ઘરેરાટીથી આકાશ ગુંજી રહયું છે. રોડ શો દરમિયાન ૧૦૦ થી ફાયર બ્રિગેડના જવાનો ખડેપગે રહેશે. તમામ ફાયર સ્ટેશનોને એલર્ટ રાખવામાં આવશે. સાબરમતી નદીમાં પણ  પેટ્રોલીંગ પાર્ટી સાથે ફાયર બ્રિગેડના જવાનો પણ પેટ્રોલીંગમાં જોડાઇ રહયા છે.

અમદાવાદના રોડ શો દરમિયાન જામર લગાવાશે. પરિણામે એ દિવસે ડ્રોન તો નહિ ઉડે પણ લોકોના મોબાઇલ પણ જામ થઇ જશે.

અમેરીકન પ્રમુખના બંદોબસ્ત માટેનું ઓવર ઓલ સુકાન  અમદાવાદના પોલીસ કમિશ્નર આશીષ ભાટીયાએ સંભાળવા સાથે  ઓવર ઓલ સુપરવીઝન માટે પોતાના મદદનીશ તરીકે સ્પેશ્યલ કમિશ્નર અજયકુમાર  તોમરને રાખ્યા બાદ ટ્રમ્પની અમદાવાદ મુલાકાત સમયે સૌથી વધુ કસોટીભરી કામગીરી હોય તો તે છે ગ્રાન્ટ ગાલા  રોડ-શોની, આ રોડ શો માટે ખુદ અમેરીકન પ્રમુખ પણ ઉત્સુક હોય આ કપરી કામગીરી  સીઆઇડી ક્રાઇમના એડીશ્નલ ડીજીપી શમશેરસિંઘ જેવા સબળ અધિકારીને નેતૃત્વ સુપ્રત કરવામાં આવ્યું છે.

ટ્રમ્પ સહિતના મહાનુભાવોની આવન-જાવન, સિકયુરીટી સરંજામ, ફલાયઝોન પ્રતિબંધ અને એરપોર્ટની સુરક્ષાનું મહત્વ પણ ખુબ જ વધી જતુ હોય ભુતકાળમાં અમદાવાદમાં સેકટર ૧માં પ્રશંસનીય કામગીરી બજાવનાર ભાવનગરના રેન્જ ડીઆઇજી અશોકકુમાર યાદવની પસંદગી કરવામાં આવી છે. જયારે મોટેરા સ્ટેડીયમનું સુકાન આશીષ ભાટીયાએ જાતે સંભાળવા સાથે ઓવર ઓલ સુપરવીઝન સીઆઇડી ક્રાઇમ અને રેલ્વેના ડીઆઇજી કક્ષાના ગૌતમ પરમારને સુપ્રત થયું છે. અહીં દોઢ ડઝન જેટલા આઇપીએસોના માર્ગદર્શનમાં સતત બાજ નજર રાખવામાં આવનાર છે. 

ગુપ્તચર વડા અને સીઆઇડી ક્રાઇમના વડા સંજય શ્રીવાસ્તવના માર્ગદર્શનમાં આઇબી દ્વારા સેન્ટ્રલ આઇબી, સીબીઆઇ, રો વિગેરે સાથે સતત સંકલન રખાઇ રહયું છે. એનએસજી લોકલ પોલીસ અને અમેરીકન સીક્રેટ સર્વિસની એન્ટી એસોલ્ટ ટીમ પણ ખડે પગે છે.

(11:47 am IST)