Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

૨૪૦ બગીચાઓની સંભાળ માટે નવેસરથી કોન્ટ્રાકટ થશે

બગીચાઓની સંભાળ માટેની અરજીઓ મંગાવાઇ : અમદાવાદના તમામ નવા-જૂના બગીચાઓની જાળવણી પીપીપી ધોરણે કરવા માટેની દિશામાં ચક્રોગતિમાન થયા

અમદાવાદ,તા. ૨૨ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના તમામ ર૪૦ નવા-જૂના બગીચાની જાળવણી માટે નવેસરથી કોન્ટ્રાકટ આપવાની ક્વાયત આરંભાઇ છે. હાલના તંત્ર હસ્તકના મોટાભાગના બગીચાની જાળવણી અમૂલ દ્વારા કરાય છે પરંતુ આ જાળવણીથી સત્તાવાળાઓને સંતોષ ન થતાં પીપીપી ધોરણે જે તે બગીચાને જાળવણી હેતુ ઇચ્છુક કંપની કે સંસ્થાઓ પાસેથી હવે નવેસરથી અરજી મંગાવાઇ છે. આમ વર્ષો બાદ તંત્રે બગીચાની જાળવણી મામલે નવી નીતિ અજમાવી છે. અમ્યુકો તંત્ર હસ્તકના બગીચાની યોગ્ય જાળવણી થતી ન હોવાથી તે અંગે વારંવાર ફરિયાદો ઊઠતી આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સર્વોચ્ચ લેખાતી સ્ટેન્ડિગ કમિટીમાં પણ શાસક ભાજપના સભ્યોએ બગીચાની દુર્દશા અંગે તંત્ર પર વારંવાર પસ્તાળ પાડી છે. ચેરમેન અમૂલ ભટ્ટ પણ બગીચાની જાળવણીમાં કોઇ કચાશ બાકી નહીં રખાય તેવી જાહેરાત કરી ચુક્યા છે. જો કે હવે સત્તાવાળાઓએ આ મામલે વધુ ગંભીરતા દાખવી છે. આમ તો તાજેતરમાં કેટલાક બગીચાની જાળવણીમાં બેદરકારી દાખવવા બદલ સત્તાવાળાઓએ અમૂલને નોટિસ ફટકારી હતી. તો કેટલાક નવા બગીચાની જાળવણી અન્ય કંપનીને સોંપાઇ છે. બગીચામાં લોન, વોકવે, સ્વચ્છતા, સિક્યોરિટી વગેરેની ફરિયાદો અવારનવાર ઉઠતા તંત્ર દ્વારા ત્રણ મહિનામાં તમામ બગીચાને વ્યવસ્થિત કરવાની ચીમકી અપાઇ હોવાની ચર્ચા ઊઠી હતી. જો કે હવે તો સત્તાવાળાઓએ શહેરના તમામ નવા-જૂના ર૪૦ બગીચાઓની જાળવણી પીપીપી ધોરણે કરવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યાં છે. આ માટે શરતોમાં પણ અગાઉના જૂના કરાર કરતા કેટલીક જોગવાઇને વધુ કડક કરાઇ છે. જેમ કે જૂના કરારમાં પેનલ્ટી વસૂલાતી ન હતી પરંતુ હવે સત્તાવાળાઓ દ્વારા બગીચા દીઠ પાંચ લાખ જમા લેવાશે. ત્યારબાદ જે તે બગીચાની ફરિયાદના નિરાકરણ હેતુ તંત્ર દ્વારા કરાયેલી કામગીરી પાછળ ખર્ચાયેલી રકમને ડિપોઝિટમાંથી કાપી લેવાશે. નવા કરારમાં વધુ કંપની-સંસ્થા પીપીપી ધોરણે આવી શકે તે માટે વાર્ષિક ટર્નઓવર કે જે પહેલા ૧૦૦ કરોડ હતું તેમાં ઘટાડો કરીને પ૦ કરોડ કરાયું છે આ ઉપરાંત સિક્યોરિટીના ધાંધિયાં દૂર કરવા ફરજિયાત સિક્યોરિટી ગાર્ડ અને માળીની જોગવાઇ કરાઇ છે. જો કે પહેલાની જેમ પાર્લર ચલાવવાની છૂટ અપાઇ છે. હવે નવી પ્રક્રિયામાં બગીચાઓની યોગ્ય જાળવણી અને સારસંભાળ થાય છે કે નહી તે જોવાનું રહેશે.

 

(10:11 pm IST)