Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

ખેડૂતોએ ૨૦૭૪૨ કરોડનું પ્રીમીયમ ભર્યુ, વીમો મળ્યો માત્ર ૪૭૨૫ કરોડઃ બાકીના વીમા કંપનીઓના ગજવામાં!

સરકારે દેવા માફ ન કર્યા અને પાક વીમાના નામે ધરતીપુત્રોની મજાકઃ ગૃહમાં હર્ષદ રીબડિયાનો આક્ષેપ

 ગાંધીનગર તા.રરઃ વિસાવદરના કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રીબડિયાએ ખેડૂતોના દેવા અને પાક વીમાના પ્રશ્ને વિધાનસભામાં સરકાર પર તડાપીટ બોલાવી હતી.

હર્ષદ રીબડિયાએ જણાવેલ કે હમણાં ૩-૪ દિવસ પહેલા મારા જૂનાગઢ જિલ્લામાં પાક વીમો ખેડૂતોને આપવાની જાહેરાત કરવામાં આવી., ખેડૂતોની મશ્કરી કરવામાં આવે છે. એક તાલુકાની અંદર પાંચ ગામ, છ ગામ, એક ગામ અહીંયા લીધું, એક ગામ અહીંયા લીધું વચ્ચે બીજે કાંઇ વરસાદ જ નથી થયો. એક જ ગામમાં ઓછો વરસાદ થયો છે. આ કઇ રીત તમે વીમા આપો છો? ખેડૂતોને ખુબ મોટી આશા હતી, કેટલા આંદોલનો તમામ કિસાન સંગઠનોએ કર્યા હતા કે આ રાજ્યના ખેડૂતો દેવાના ડુંગર નીચે દબાય ગયા છે એના દેવા સરકાર માફ કરે પણ કાંઇ ના થયું. અમારાં કિસાન અને ધરતીપુત્રને આશા હતી કે પાક વીમો મળશે, પાક વિમો મળશે પણ વીમામાં પણ મશ્કરી  કરવામાં આવી છે. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાના મારી પાસે આંકડા સાથે છે, આર.ટી.આઇ. છે. કોઇને જોવા હોય તો મારી પાસેથી લઇ જજો. કુલ પ્રીમીયમ ૨૦,૭૪૨ કરોડ રૂપિયા આ દેશમાં ભરાયું.આપણે વીમો આપ્યો ૪૭૨૫ કરોડ, ૧૫૦૦૦ કરોડ રૂપિયા માનીતી અમૂક વીમા કંપનીઓ લઇ ગઇ છે. જેમાં કોૈભાંડની શંકા છે. આ જગતના તાત ખેડુતો સાથે પાપ કરવામાં આવ્યું છે. ખેડૂતો રાહ જોઇને બેઠા છે અમારો હક્ક આપો, વીમા જોઇએ છે. મંત્રીશ્રીને હું કહેવા માંગું છુ કે તમે કાર લો છો, તમે વીમો ઉતારો છો, પ્રીમીયમ ભર્યું તો કારમાં કોઇક દિવસ ઘોબા પડી ગયા તો આપણને વીમો મળે છે કે નહીં? મળે નેો તો અમારો ખેડૂતનો દીકરો, જગતનો તાત, અમે પ્રીમીયમ ભરીએ છીએ. અમારૂ મોળુ વર્ષ ગયું હોય એટલે અમે વીમો માગીએ છીએ. ખેડૂતનો દીકરો કયારેય ભીખ નથી માગતો, એનો હક્ક માગે છે હક્ક છીનવવામાં આવ્યો છે. તાત્કાલીક સરવે કરી સરકાર જે ગામમાં લોકો વીમાથી વંચિત રહયા છે એ ગામને તાત્કાલીક જોડે. જે વીમા કંપનીઓને આદેશ કરવો પડે એ આદેશ કરી અને એ ખેડૂતના દીકરાને વીમો અપાવે એવી પણ મારી માંગણી છે.(૧.૧૫)

 

 

(3:02 pm IST)