Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

કોઇપણ શોની સફળતા તેના પ્રશંસકોને આભારી હોય છે

તુ આશિકીની સ્ટારકાસ્ટ અમદાવાદની મુલાકાતેઃ તુ આશિકીએ ૧૦૦ એપિસોડ પૂરા કર્યા : તુ આશિકીના રિત્વિક અરોડા અને જન્નત ઝુબેરે લોકોનો આભાર માન્યો

અમદાવાદ,તા. ૨૨  : કલર્સ ટીવી પર લોકપ્રિય અને સફળ શો તુ આશિકીની સ્ટારકાસ્ટ રિત્વિક અરોડા અને જન્નત ઝુબેર આજે અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. તાજેતરમાં જ તુ આશિકીએ તેના ૧૦૦ એપિસોડ પૂરા કર્યા હોઇ તેની સફળતા અને લોકપ્રિયતા બદલ આ બંને યુવા કલાકારોએ જણાવ્યું હતું કે, કોઇપણ શો, સિરિયલ કે કલાકારોની સફળતા અને લોકપ્રિયતા તેના પ્રશંસકોને આભારી છે, એટલે કે, તેના પ્રશંસકોના કારણે જ હોય છે. કલર્સની સંગીતમય ગાથા તુ આશિકીમાં રિત્વિક આરોડા(આહાન તરીકે) અને જન્નત ઝુબેર( પંકિત તરીકે) પોતાના મુખ્ય પાત્રોની આંખો મારફતે પ્રેમની તમામ અજાણી સીમાઓ અને ધારણાઓને રજૂ કરે છે. શો અંગે ખાસ વાતચીતમાં રિત્વિક અરોડાએ જણાવ્યું હતું કે, તેને આહાનનું પાત્ર ખૂબ ગમે છે કારણ કે, તેની પાસે પુષ્કળ લાગણી વ્યકત કરવા મળે છે, જે બાબત મને એક અભિનેતા તરીકે સંતુષ્ટ કરનાર છે. હું દિલ્હીનો છોકરો છું પરંતુ મને હંમેશા ગુજરાતી વાનગી મનપસંદ અને મનભાવન રહી છે. હું ખૂબ જ સ્ટ્રીક્ટ વર્કઆઉટ અને આહાર સંબંધી ચરી પાળવા પર છું પરંતુ આજના દિવસે અમદાવાદની મુલાકાતે આવ્યો છું તો, ગુજરાતી થાળીની લુત્ફ માણીશ. દરમ્યાન જન્નત ઝુબેરે જણાવ્યુું હતું કે, પંકિત એક સરળ છોકરી છે, જે પ્રેમની શકિતમાં માને છે. મારા માટે આ ખૂબ જ રસપ્રદ અને રોમાંચક ભૂમિકા છે કારણ કે, તેમાં એક શાંત હોવાની સાથે સાથે મજબૂત પ્રતિભા બહાર લાવવાની તક પૂરી પડે છે. કલર્સ ટીવી પર સાંજે સાત વાગ્યાના સ્લોટમાં નંબર વન ડ્રામા અને સ્લોટ લીડર તરીકે વર્ચસ્વ જમાવતા તુ આશિકીના ૧૦૦ એપિસોડની જબરદસ્ત સફળતા અને લોકપ્રિયતા બદલ જન્નત ઝુબેરે તમામ ફેન્સ અને ફોલોઅર્સનો ખૂબ આભાર માન્યો હતો. અમદાવાદમાંથી પરંપરાગત બાંધણી દુપટ્ટા ખરીદવાની ઇચ્છા પણ જન્નત ઝુબેરે વ્યકત કરી હતી. પોતાની પાશ્ચાદભૂમાં મ્યુઝિક ઇન્ડસ્ટ્રીઝના હોવા સાથે, તુ આશિકી એક વિદ્રોહી પ્રેમકહાની છે, જયાં સંબંધો અને લાગણીઓ પૈસાની શકિત સાથે ઉભી છે.

(9:48 pm IST)