Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

ગુજરાતના નવા પોલીસ વડા કોણ ? સિનીયોરીટી મુજબ શિવાનંદ ઝાને જ તક

રાજસ્થાન પેટર્ન જેવું ન થાય તો આઇબી વડાના શિરે કળશ ઢોળાશે : હાલના પોલીસ વડાને નિવૃતી આડે ફકત પ દિ' બાકી છતાં સસ્પેન્સ યથાવત

રાજકોટ, તા., રરઃ રાજયના ઇન્ચાર્જ મુખ્ય પોલીસ વડા પ્રમોદકુમાર ચાલુ માસના  અંતે અર્થાત ર૮મીએ નિવૃત થઇ રહયા છે ત્યારે રાજયના મુખ્ય રેગ્યુલર ડીજીપી તરીકે કોને નિમવામાં આવશે તે અંગે આશ્ચર્યજનક રીતે ચોક્કસ બાબતો આગળ કરીને તર્ક-વિતર્કો શરૂ થયા છે. સિનીયોરીટી અને કાર્યદક્ષતાની બંન્ને દ્રષ્ટિએ હાલના ગુપ્તચર વડા શિવાનંદ ઝા કે જેઓ ૧૯૮૩ બેચના સિનીયર મોસ્ટ આઇપીએસ છે. તેમના ચાન્સ નિયમ અનુસાર અને અન્ય રીતે ઉજળા છે.

તર્ક-વિતર્કો આઇપીએસ અધિકારીઓ  અને રાજકારણીઓમાં જાગવા પાછળ કેટલીક ચોક્કસ બાબતોને આગળ ધરવામાં આવી રહી છે. રાજય પોલીસ તંત્રના અનુભવી અને કાર્યદક્ષ આઇપીએસ અધિકારીઓના મતે અત્યાર સુધી ડીજીપી કક્ષાની નિમણુંકમાં  સિનીયોરીટીનો ભંગ કુલદીપ શર્માના અપવાદને બાદ કરીએ તો કરવામાં આવ્યો નથી.

હાઇકોર્ટમાં રાજય સરકારે આપેલ બાંહેધરી મુજબ હવે કાયમી અર્થાત રેગ્યુલર ડીજીપી નિમવાની બાંહેધરી આપી છે. નિયમ અનુસાર કાયમી ડીજીપીનો તેમની નિમણુંક બાદ બે વર્ષનો કાર્યકાળ નક્કી કરવામાં આવ્યો છે. જે બાબતે પણ શિવાનંદ ઝા ફીટ બેસે છે. આમ તો પ્રમોદકુમાર બાદ સિનીયોરીટીની દ્રષ્ટિએ પુર્વ વડાપ્રધાન મનમોહનસિંઘના જમાઇ કે જેઓ ડેપ્યુટેશન પર ફરજ બજાવે છે. તેઓનો ચાન્સ પણ ગુજરાત હોત તો લાગત. પરંતુ તેઓ વિશે કંઇ વિચારવાનું ન હોય તેમના પછીના સિનીયર મોસ્ટને જ તક સાંપડે.

ગુજરાતના ટોચના રાજકારણીઓ પોતાની રીતે ભલે અલગ રીતે વિચારતા હોય પરંતુ આવી મહત્વની અને ટોચ લેવલની પોસ્ટનો નિર્ણય અમિતભાઇ શાહ દ્વારા જ થતો હોય છે. આઇબી વડા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇની ગુડસ બુકમાં છે. એક તબક્કે તો દિલ્હીના પોલીસ કમિશ્નર પદ માટેની પેનલમાં પણ તેમનુ નામ સામેલ હતું એ જાણીતી વાત છે. આવી બધી ખુબીઓ છતાં તર્ક-વિતર્ક જાગવા પાછળનું કારણ એ છે કે રાજસ્થાનમાં ૧૯૮૩ અને ૧૯૮૪ બેચને સુપરસીડ કરી ૧૯૮પને બેચના આઇપીએસને મુખ્ય પોલીસવડાની તક આપવામાં આવી છે.

(3:50 pm IST)